બાળકીની બે મહિનાની સઘન સારવાર: ક્રેનિયોપ્લાસ્ટી સર્જરી કરીને ફ્રેક્ચર થયેલી ખોપડીનું હાડકું ફરીથી મગજમાં બેસાડવામાં આવ્યું
સુરત:મંગળવાર: સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા નેપાળી શ્રમિક પરિવારની ૭ વર્ષીય દીકરી સમીક્ષા ત્રીજા માળેથી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, પરંતુ બાળકીની બે મહિનાની સઘન અને ધીરજપૂર્વકની સારવાર કરી હતી, જેમાં ખોપડીના ફ્રેક્ચરના બે ઓપરેશન કરીને સ્મીમેરના તબીબોએ બાળકીને જીવનદાન આપ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલના ન્યુરોસર્જન ડો.દીપેશ કક્કડે જણાવ્યું હતું કે, ગત તા.૨૪મી મેના રોજ રમતા-રમતા અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાયેલી બાળકી સમીક્ષાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પરિવારજનો લઈ આવ્યા હતા. ગંભીર હાલતમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી અને બેભાન અવસ્થામાં રહેલી સમીક્ષાની પ્રાથમિક તપાસ દરમિયાન ફરજ પરના રેસિડન્ટ ડો.રાજ વૈદ્ય દ્વારા ખોપડીનું ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું.
ઈજાના કારણે મગજનો અમુક ભાગ પણ બહાર આવી ગયો હતો. ઈમરજન્સીમાં સિટી સ્કેન રિપોર્ટ કરતા ખોપડીના ફ્રેકચર સાથે મગજમાં નાનું હેમરેજ અને મગજમાં સોજો પણ હતો. એટલે તાત્કાલિક હેમરેજ અને ફ્રેક્ચરના ભાગનું ઓપરેશનમાં કર્યું હતું એમ ડો.દીપેશે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, મગજમાં સોજો અને ખોપડીમાં ફ્રેક્ચર હોવાથી ડેમેજ થયેલ મગજનો ભાગ ‘ફ્રન્ટલ લોબેકટોમી’ નામની સર્જરી કરીને કાઢવામાં આવ્યો હતો અને બાળકીને આઈસીયુમાં વેન્ટિલેટર પર શિફ્ટ કરી હતી, જ્યાં ત્રણ દિવસ પછી રિકવરી આવતા સમીક્ષા જાતે શ્વસનક્રિયા અને હાથપગની મૂવમેન્ટ કરવા લાગી હતી. આઠથી દસ દિવસમાં જનરલ વોર્ડમાં લઈ સારવાર આપીને સંપૂર્ણ સ્વસ્થ કરવામાં સ્મીમેરના તબીબ, નર્સિંગ સ્ટાફને સફળતા મળી હતી.
ડો.કક્કડે ઉમેર્યું કે, પ્રથમ ઓપરેશનના દોઢ મહિના પછી સમીક્ષાને મગજનું ઈન્ફેક્શન થવાની સાથે મગજમાં તાવ (મેનિન્જાઈટીસ) આવતા ફરીથી આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પહેલું ઓપરેશન કર્યાના દોઢ મહિના પછી ક્રેનિયોપ્લાસ્ટી સર્જરી કરીને ફ્રેક્ચર થયેલ ખોપડીનું હાડકુ ફરીથી મગજમાં બેસાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંચ દિવસની દેખરેખ હેઠળ સારવાર મળતા સમીક્ષા સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાઈ હતી.
.
સ્મીમેરમાં દર મહિને ૧૨ થી ૧૫ જેટલી મગજ અને મણકાની સર્જરી થાય છે: મગજની ગંભીર બીમારીઓમાં આર્થિક નબળા પરિવારો માટે સ્મીમેર આશીર્વાદરૂપ બની
છેલ્લા દોઢ વર્ષથી સ્મીમેરમાં ફરજ બજાવતા ન્યુરો સર્જન ડો.દિપેશ કક્કડ સહિત નર્સિંગ સ્ટાફ અને તબીબો સેવાના ભાવમાં સમર્પિત છે. સ્મીમેર તંત્રના માર્ગદર્શન હેઠળ ડૉ.દીપેશ કક્કડ અને તબીબી-નર્સિંગ ટીમ દ્વારા દર મહિને ૧૨-૧૫ જેટલી મગજ અને મણકાની સર્જરી જેવી કે અકસ્માતમાં થયેલી ખોપડીનું ફ્રેકચર, મગજનું હેમરેજ, મગજમાં પાણીનો ભરાવો, મગજમાં લોહીની નસ બંધ થવી, મગજની ગાંઠ, મણકાના ફ્રેકચર, મણકા વચ્ચેની ગાદી ખસી જવી, સાયટિકા, મણકાના ટીબીનું ઓપરેશન જેવા લાખો રૂપિયાના ખર્ચે થતા ઓપરેશનો સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારો માટે ડૉ દીપેશ કક્કડ અને ટીમ આશીર્વાદરૂપ સાબિત થઇ છે.
