સુરત શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવનો તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે
ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી ત્રણ દિવસ દરમિયાન સુરત શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશેઃ
‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ ના ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવનો ઉજવણી કરવામાં આવશેઃ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના મહાકુંભનો અમીઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ. પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાંઓનો આગવો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ. શાળામાં પ્રવેશ પામતાં ભૂલકાંઓને સન્માન અને ગૌરવભેર આવકારવા અને પ્રોત્સાહિત કરવા સને ૨૦૨૪-૨૫ના વર્ષમાં “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ” તા.૨૬, ૨૭ અને તા.૨૮મી જુનના રોજ યોજાશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંધવી સહિતના પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, પદાધિકારીઓ, કોપોર્પેટરશ્રીઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના હસ્તે બાલવાટિકા, આંગણવાડી, ધો.૧, ધો.૯ અને ધો.૧૧માં બાળકોને પ્રવેશ અપાવશે.
તા.૨૬મીના રોજ ગૃહરાજયમંત્રીશ્રી સવારે ૮.૦૦ વાગે પોલીસ હેડકવાર્ટસ, અઠવાલાઈન્સ ખાતે આવેલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રા.શાળા ખાતે, ૧૦.૦૦ વાગે સીટી લાઈટ રોડની અગ્રસેન ભવન સામેની મહારાજા અગ્રસેન પ્રા.શાળા ક્રમાંક ૧૬૦ અને શાળા ક્રમાંક ૩૩૭ ખાતે તથા બપોરે ૧૨.૦૦ વાગે ધોડદોડ રોડ ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે.
મંત્રીશ્રી તા.૨૭મીના રોજ સવારે ૮.૦૦ વાગે ગોડાદરા ત્રણ રસ્તા, પોલીસ ચોકની સામે આવેલી મહર્ષિ આસ્તિક પ્રા.શાળા ક્રમાંક ૨૯૬ અને ૨૯૯ શાળા ખાતે, ૧૦.૦૦ વાગે ગોડાદરાની પ્રકાશ સોસાયટી ખાતે આવેલી પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રા.શાળા ક્રમાંક ૩૪૨ અને મેજર ધ્યાનચંદ શાળા ક્રમાંક ૩૫૧ ખાતે તેમજ બપોરે ૧૨.૦૦ વાગે ગોડાદરા આસપાસ ગાર્ડનની બાજુમાં આવેલ મહર્ષિ આસ્તિક સાર્વ. હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે.
તા.૨૮મીના રોજ ગૃહ રાજયમંત્રીશ્રી સવારે ૮.૦૦ વાગે વરાછાના માતાવાડી મોહનની ચાલ ખાતે આવેલ કવિશ્રી પ્રેમાનંદ પ્રા.શાળા અને શ્રી બ.ક.ઠાકોર પ્રા.શાળા ખાતે, ૧૦.૦૦ વાગે વરાછા એ.કે.રોડની શ્રેયસ વિદ્યાલયની બાજુમાં વિશાલનગર ખાતે આવેલ ડો.વિક્રમ સારાભાઈ અને રાજેન્દ્ર શાહ શાળા ખાતે, બપોરે ૧૨.૦૦ વાગે વરાછા ખાતે આવેલ શ્રી કે.સી.કોઠારી મા. અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે. તેમની સાથે નગર પ્રા.શિક્ષણ સમિતિના સભ્યો તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહેશે.
