પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૨૪: સુરત જિલ્લો’
પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી, જીવામૃત દ્વારા મળે છે પ્રાકૃતિક રીતે પોષણ
જીવામૃત આપવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઝડપથી અનેકગણો વધારો થાય છે અને જીવાણુંઓ પાકના છોડ માટે જરૂરી પોષક તત્વો તૈયાર કરે છે
સામાન્ય રીતે ખેતીમાં વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો વપરાય છે અને પાકને જંતુઓ કે રોગથી રક્ષણ માટે અત્યંત તીવ્ર અને ઝેરી જંતુનાશક દવાઓનો વપરાશ કરવામાં આવે છે. આનાથી ઉપજમાં ઝેરી જંતુનાશકો રહી જાય છે, જે સ્વાસ્થ્ય જોખમાવી શકે છે. વધુમાં જમીનની કુદરતી ઉત્પાદનક્ષમતા લાંબા સમયે ઘટી જાય છે તેવું કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે. એવામાં પ્રાકૃતિક ખેતી એ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને સ્વાસ્થયપ્રદ ઉપજ મેળવવા માટે એક વ્યાવહારિક વિકલ્પ બની છે.
રાજ્યના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે જીવામૃત વિશે જાણીએ.
પ્રાકૃતિક કૃષિ ખેડૂતો ખેતીમાં રાસાયણિક ખાતરને બદલે જીવામૃતથી પાકનું ઉત્પાદન વધારી શકે છે. આ જીવામૃત તૈયાર કરવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર ૧૦ લીટર, દેશી ગાયનું છાણ ૧૦ કિ.ગ્રા, ઝાડ નીચેની માટી ૧ મુઠી, દેશી ગોળ ૧.૫ કિ.ગ્રા + બેસન ૧.૫ કિ.ગ્રાનું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને ૧૮૦ લીટર પાણીના ડ્રમમાં નાખવું, તેને કંતાનના કોથળાથી ઢાંકીને છાંયડે રાખવું અને લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવારે અને સાંજે ૫ મિનિટ સુધી હલાવવું. ઉનાળામાં બે દિવસમાં અને શિયાળામાં ૪ થી ૫ દિવસમાં આવી રીતે જીવામૃત તૈયાર થઈ જશે. જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ તેનો ઉપયોગ કરી શકાય છે. આ જીવામૃતને એક એકર માટે ૨૦૦ લીટર ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર તેનો છંટકાવ કરવો જોઈએ. પાકના સમાયગાળા અનુસાર ૨ થી ૫ વખત જીવામૃતનો છંટકાવ કરવાનો હોય છે.
જીવામૃત માટે તૈયાર કરેલ મિશ્રણમાં માટીમાં તેમજ ગાયના છાણમાં રહેલ કરોડો જીવાણુંઓને કઠોળના લોટ અને ગોળથી પૃષ્ટ બને છે અને તેની સંખ્યાં અનેકગણી વધે છે. જીવામૃતનાં છંટકાવથી સુક્ષ્મ જીવાણુંઓ જમીનમાં જાય છે. ત્યાં પણ તેની સંખ્યા સતત વધતી રહે છે અને આ જીવાણુઓ હવામાંથી નાઈટ્રોજન લઈને તેને છોડને ઉપયોગી સ્વરૂપમાં ફેરવે છે, જેનાથી છોડને જરૂરી પોષણ મળે છે. વધુમાં તે જમીનમાં રહેલા અનેક તત્વો કે જે અનુપયોગી સ્વરુપમાં રહેલા હોય તેને વનસ્પતિ લઈ શકે તેવા ઉપયોગી સ્વરૂપમાં પરિવર્તિત કરે છે, તેનાથી પાકને બાહરથી કોઈ તત્વો રાસાયણિક ખાતર દ્વારા આપવાની જરૂર રહેતી નથી. કોઈ પણ પ્રકારની ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે અને જમીનની ફળદ્રુપતા તેમજ પોષક તત્વોની ઉપલબ્ધિ વધે છે.
પ્રાકૃતિક ખેતી પ્રચલિત રાસયણિક ખાતરો અને જંતુનાશકોવાળી ખેતીનો એક વ્યવહારિક ઉપાય બની રહી છે. દિવસે ને દિવસે વધુ ને વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. લોકોમાં આરોગ્ય પ્રત્યે સભાનતા આવી છે, જેથી સ્વાસ્થ્યપ્રદ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે સારાં ભાવો પણ મળી રહે છે. સરકાર પણ વિવિધ સહાય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.
