સુરત જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કુલ ૮,૪૬,૦૫૫ લાભાર્થી વિદ્યાર્થીઓને જૂન-૨૦૨૪ થી જાન્યુ-૨૦૨૫ દરમિયાન રૂ.૫૭.૧૩ કરોડની સહાય ચૂકવા
નમો લક્ષ્મી યોજના હેઠળ ૭,૦૦,૨૪૧ દીકરીઓને રૂ.૪૨.૫૫ કરોડની સહાય ચૂકવવામાં આવી
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ૧,૪૫,૮૧૪ વિદ્યાર્થીઓને રૂ.૧૪.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી
જૂન-૨૦૨૪થી અમલમાં આવેલી નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે મળી રહ્યું છે પ્રોત્સાહન: રાજ્યના દીકરા-દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રેરિત થાય તેવો નમો સરસ્વતી યોજનાનો હેતુ
દીકરીઓને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતી ‘નમો લક્ષ્મી યોજના’માં ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતી દીકરીને ચાર વર્ષમાં કુલ રૂ. ૫૦,૦૦૦ આર્થિક સહાય આપવામાં આવે છે. કન્યાઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધો.૯ થી ૧૨ માં પ્રવેશ મેળવે, સાથે-સાથે તેમને શારીરિક- માનસિક સુપોષણ મળે એવો આ યોજનાનો હેતુ છે. ૫૦ હજારની સહાયના રૂપમાં મોટો આર્થિક આધાર મળતા આર્થિક રીતે અક્ષમ, સામાન્ય પરિવારોને દીકરીઓના શિક્ષણમાં થતા ખર્ચની ચિંતાથી મુક્તિ મળી છે.
જ્યારે ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. ૨૫,૦૦૦ આર્થિક સહાય આપતી ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના અમલી છે. રાજ્યના દીકરા-દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય અને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે તેવો હેતુ એ આ યોજનાનો હેતુ છે. જેના અનુસંધાને સુરત જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જૂન-૨૦૨૪ થી જાન્યુ-૨૦૨૫ દરમિયાન નમો લક્ષ્મી યોજના હેઠળ ૭,૦૦,૨૪૧ લાભાર્થી દીકરીઓને રૂ.૪૨.૫૫ કરોડ તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ૧,૪૫,૮૧૪ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને રૂ.૧૪.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે આ બંને યોજનામાં સુરતના કુલ ૮,૪૬,૦૫૫ લાભાર્થી-વિદ્યાર્થીઓને યોજનાનો અમલ થયો ત્યારથી લઇ જાન્યુ-૨૦૨૫ દરમિયાન રૂ.૫૭,૧૩,૭૪,૦૦૦ કરોડ (રૂ.૫૭ કરોડ ૧૩ લાખ ૭૪ હજાર)ની સહાય ચૂકવાઈ હોવાનું સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત સુરતમાં જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં જૂન માસમાં ૯૬,૯૩૮ વિદ્યાર્થિનીઓને ૫,૯૦,૪૯,૭૫૦, જુલાઇમાં ૭૫,૪૮૦ વિદ્યાર્થિનીઓને ૪,૫૮,૧૦,૨૫૦, ઓગસ્ટમાં ૭૬,૬૬૩ વિદ્યાર્થિનીઓને ૪,૬૪,૭૬,૭૫૦, સપ્ટેમ્બરમાં ૭૭,૯૮૫ વિદ્યાર્થિનીઓને ૪,૭૦,૦૫,૨૫૦, ઓક્ટોબરમાં ૯૨,૯૩૨ વિદ્યાર્થિનીઓને ૫,૬૫,૭૯,૨૫૦, નવેમ્બરમાં ૯૧,૩૯૯ વિદ્યાર્થિનીઓને ૫,૫૬,૭૯,૫૦૦, ડિસેમ્બરમાં ૯૪,૦૧૦ વિદ્યાર્થિનીઓને ૫,૭૨,૨૦,૦૦૦ અને જાન્યુઆરી-૨૦૨૫માં ૯૪,૮૬૪ વિદ્યાર્થિનીઓને ૫,૭૭,૩૯,૨૫૦ એમ કુલ ૭,૦૦,૨૪૧ વિદ્યાર્થિનીઓને રૂ.૪૨,૫૫,૬૦,૦૦૦ (૪૨ કરોડ ૫૫ લાખ ૬૦ હજાર)ની સહાય આપવામાં આવી છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત સુરતમાં જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન જૂન માસમાં ૨૦,૪૬૪ વિદ્યાર્થીઓને ૨,૦૪,૬૪,૦૦૦, જુલાઇમાં ૧૫,૧૦૦ વિદ્યાર્થીઓને ૧,૫૧,૦૦,૦૦૦, ઓગસ્ટમાં ૧૫,૦૨૫ વિદ્યાર્થીઓને ૧,૫૦,૨૫,૦૦૦, સપ્ટેમ્બરમાં ૧૫,૦૯૯ વિદ્યાર્થીઓને ૧,૫૦,૯૯,૦૦૦, ઓક્ટોબરમાં ૨૦,૦૭૦ વિદ્યાર્થીઓને ૨,૦૦,૭૦,૦૦૦, નવેમ્બરમાં ૧૯,૮૮૨ વિદ્યાર્થીઓને ૧,૯૮,૮૨,૦૦૦, ડિસેમ્બરમાં ૨૦,૦૫૦ વિદ્યાર્થીઓને ૨,૦૦,૫૦,૦૦૦ અને જાન્યુઆરી-૨૦૨૫માં ૨૦,૧૨૪ વિદ્યાર્થીઓને ૨,૦૧,૨૪,૦૦૦ મળી કુલ ૧,૪૫,૮૧૪ વિદ્યાર્થીઓને ૧૪,૫૮,૧૪,૦૦૦ (૧૪ કરોડ ૫૮ લાખ ૧૪ હજાર)ની સહાય આપવામાં આવી છે, ત્યારે આ બંને યોજનાઓ વિદ્યાર્થીઓ; ખાસ કરીને દીકરીઓ માટે આશીર્વાદરૂપ બની છે.
આમ, જૂન-૨૦૨૪થી અમલમાં આવેલી નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે, જ્યારે રાજ્યના દીકરા-દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રેરિત થાય તેવો હેતુ નમો સરસ્વતી યોજનાનો છે.
