‘અમારી સરકારી શાળા, સ્માર્ટ શાળા’
વેલ ક્વોલિફાઈડ સ્ટાફ ધરાવતી પલસાણા તાલુકના વરેલી ગામની આધુનિક, સ્વચ્છ, સ્માર્ટ ‘પીએમશ્રી સરકારી પ્રાથમિક શાળા
શાળાને વિદ્યાનું મંદિર ગણતા શાળાના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બુટ-ચપ્પલ પહેરતા નથી
પીએમ શ્રી યોજના હેઠળ પસંદગી પામેલી પ્રાથમિક શાળામાં અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ વર્ગખંડો, રમતગમત પર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપાઈ રહ્યું છે શિક્ષણ
સુરત જિલ્લા પંચાયત સંચાલિત પલસાણા તાલુકાના વરેલી ગામમાં આવેલી સરકારી ‘પીએમશ્રી પ્રાથમિક શાળા’ શહેરોની ખાનગી શાળાઓને પણ શરમાવે તેવી છે. ધોરણ ૧ થી ૮માં ગુજરાતી મીડિયમમાં ૧૪૫ કુમાર અને ૧૫૫ કન્યાઓ મળી ૩૦૦ વિદ્યાર્થીઓ તેમજ હિન્દી મીડિયમમાં ૩૨૬ કુમાર અને ૩૬૦ કન્યા અને ૩૨૬ કુમાર મળી ૬૮૬ જેટલા વિદ્યાર્થીઓ અને વેલ ક્વોલિફાઈડ સ્ટાફ ધરાવતી વર્ષ ૧૯૭૩થી કાર્યરત ‘વરેલી પ્રાથમિક શાળા’માં અનોખી સુવિધાઓ સાથે શિક્ષણ આપવામાં આવે છે.
વડાપ્રધાનશ્રીએ નવી શિક્ષણ નીતિ હેઠળ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના શરૂ કરી શોધ લક્ષી, જ્ઞાન આધારિત શિક્ષણ લક્ષી શિક્ષણ પર ભાર મૂક્યો છે, જેમાં અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ વર્ગખંડો, રમતગમત પર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. આ યોજનામાં વરેલી પ્રાથમિક શાળા પસંદગી પામી છે.
આધુનિક, સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં કમ્પ્યુટર લેબ, લાયબ્રેરી અને મધ્યાહન ભોજન શેડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળા ૨ પાળીમાં ચાલે છે જેમાં સવારે હિન્દી મીડિયમના બાળકો અને બપોરે ગુજરાતી મીડિયમના બાળકો અભ્યાસ કરે છે. પીએમશ્રી શાળા આખા તાલુકામાં એક જ હોય છે.
આ શાળાના બાળકો શાળાને ખરા અર્થમાં વિદ્યાનું મંદિર ગણે છે. એટલે જ તેઓ વર્ગખંડની બહાર જ બુટ-ચપ્પલ કાઢી નાખે છે. આ પ્રકારની અનેક સુટેવો અપનાવી છે. શાળામાં દાખલ થઈએ એટલે સ્વચ્છતા જોઈને ચકિત થઈ જઈએ. ક્યાંય ના કાગળની કોઈ ચબરખી, ના કોઈ પાઉચ, ના પાણીનો રેલો કે કોઈ પણ પ્રકારનો કચરો જોવા મળતો નથી. બાળકોને સ્માર્ટ એલ.ઈ. ડી. ટીવીની મદદથી ભણાવી સમય સાથે અપડેટેડ રાખવામા આવે છે.
શાળાના આચાર્યશ્રી ઉપેન્દ્રભાઈ બુહા જણાવે છે કે, ૧લી ઓગસ્ટ, ૧૯૭૩થી વરેલી પ્રાથમિક શાળા શરૂ થઈ હતી, પ્રારંભે ધો.૧ થી ૫ સુધી ત્યારબાદ સમય જતાં ધો ૮ સુધી થઈ હતી. ૨૦૧૫થી હું શાળામાં ફરજ બજાવું છું. રાજ્ય સરકાર અને ગ્રામ પંચાયતના સહયોગથી શાળામાં ઘણી ભૌતિક સુવિધાઓ ઉભી થઈ છે. શાળામાં બાલવાટિકા થી લઈ ધો.૮ સુધી કુલ ૩૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે, ઉપરાંત ૨૦૧૭ થી હિન્દી માધ્યમ પણ શાળામાં શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
શાળાની સુવિધાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આર.ઓ. મિનરલ વોટર પ્લાન્ટ થકી પીવાના પાણીની સુવિધા, કુમાર અને કન્યાઓ માટે અલગ ટોયલેટ બ્લોક, રમવા માટે મેદાન, કમ્પાઉન્ડ વોલ, દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડ જેના વડે બાળકો જ્ઞાન ગમ્મત સાથે શિક્ષણ મેળવે છે. સાથે પૂરતા પ્રમાણમાં વેલ ક્વોલીફાઈડ શિક્ષક ગણની મહેનતના કારણે દર વર્ષે બાળકોના અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી રહી છે.
વરેલી પ્રાથમિક શાળા પીએમશ્રી શાળામાં પસંદગી પામી છે, જેથી શાળામાં ઘણી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનતા તેનો સીધો લાભ બાળકોને થઈ રહ્યો છે. બાળકોને ફિલ્ડ વિઝીટ, એક્સપ્લોઝર વિઝીટ માટે વિદ્યાર્થી દીઠ રૂ.૧૦૦૦ની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શિષ્યવૃતિ, મધ્યાન ભોજન, ગર્લ્સ એજ્યુકેશન- જેમાં દીકરીઓ માનસિક રીતે સક્ષમ બને એ માટેના કાર્યક્રમો, સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમો યોજવામાં આવે છે.
આચાર્યશ્રી ઉપેન્દ્રભાઈએ ઉમેર્યું કે, બાળકોને પ્રોત્સાહન અને ભવિષ્યમાં શું બનવું તે માટે કરિયર ગાઈડન્સ સેમિનાર પણ પીએમશ્રી શાળા અંતર્ગત યોજવામા આવે છે. બહારના બાળકો માટે એસટીપી વર્ગ પણ ચાલે છે, જેમાં દર વર્ષે ૨૦ જેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે. શાળાને ઈકો ફ્રેન્ડલી બનાવવાના લક્ષ્યને સાકાર કરવા માટે શિક્ષકો તેમજ બાળકો બેગમાં પ્લાસ્ટિક લાવતા નથી અને જો કોઈ લાવે તો તેને સમજાવી પ્લાસ્ટિક ન લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ એમ તેઓએ ઉમેર્યું હતું.
વરેલી પ્રા. શાળામાં અભ્યાસ કરતી ધો ૮ની વિદ્યાર્થીની વર્ષા જણાવે છે કે, શાળામાં છોકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે. પીવાનું સ્વચ્છ પાણી, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડ અને શાળામાં શિક્ષકો ખૂબ ખંતથી ભણાવે છે. ઘર જેવું વાતાવરણ પૂરૂ પાડતી આ શાળામાં અમને અહિયાં ભણવાની ખૂબ મજા આવે છે.
ધો. ૮નો વિદ્યાર્થી રઘુરાજ પોતાની શાળાઓની સુવિધાઓ વિષે વાત કરતા જણાવે છે કે, શાળામાં જ્ઞાન સાથે ગમ્મતભર્યું શિક્ષણ મેળવીએ છીએ. ધો.૧ થી ૮ ના બાળકો માટે ભણવા માટે સ્માર્ટ ક્લાસ, ઈન્ટરનેટ, છોકરા-છોકરીઓ માટે અલગ શૌ, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરીની જેવી સુવિધાઓ છે, જેના કારણે અમે શહેરમાં ભણી રહ્યા હોઈએ એવો અનુભવ થઈ રહ્યો છે.
