લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
——
તા.૭ મી મે એ સમગ્ર સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત
શહેરમાં અંદાજિત ૪૨૬૬ તેમજ જિલ્લામાં ૨૨૦૦ જેટલા અધિકારી, પોલીસકર્મી, CAPF, SRP અને હોમગાર્ડઝ તૈનાત: પોલીસ અધિકારીઓનું સતત પેટ્રોલિંગ
સુરત:રવિવાર: સુરત જિલ્લામા તા.૭ મી મે એ યોજાનારી લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર અને જિલ્લાની નવ વિધાનસભાઓમાં યોજાનાર ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસતંત્ર સજ્જ બન્યું છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો મળી અંદાજે ૬૦૦૦થી વધુ પોલીસ અધિકારી, CAPF અને હોમગાર્ડઝ સહિત જવાનો મતદાનના દિવસે ખડેપગે ફરજ બજાવશે.
નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ચાર વિધાનસભા બેઠકોના ૫૩૫ મતદાન મથકો માટે પોલીસ કમિશનર સહિત સ્પેશિયલ કમિશનર, ૩ જોઈન્ટ પોલીસ કમિશનર, ૧૧ ડી.સી.પી, ૨૭ એ.સી.પી, ૧૦૦ પી.આઇ, ૨૬૦ પી.એસ.આઇ, ૧૬૦૦ પોલીસ સ્ટાફ, CAPFની ૩ કંપની મળી ૨૭૦ પોલીસ ફોર્સ, ૨૭ જવાનોની ૧ SRP પ્લાટુન અને ૧૯૬૬ હોમગાર્ડ સહિત કુલ ૪૨૬૬ પોલીસ કર્મીનો સ્ટાફ મતદાનના દિવસે પોતાની ફરજ બજાવશે.
બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ૧૫૮૫ મતદાન મથકો માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ૫ ડી.વાય.એસ.પી., ૧૨ પી.આઈ, ૨૦ પી.એસ.આઈ તેમજ અંદાજિત ૧૦૦૦ હોમગાર્ડ અને GRD, ૧૦૦૦ પોલીસ જવાનો, CAPFની ૨ કંપની સહિત ૨૨૦૦ જેટલા પોલીસ કર્મીઓ મતદાન દિને ફરજ બજાવશે.
આમ, ચૂંટણીમાં મતદાનના દિવસે જિલ્લા ચૂંટણી તંત્રએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા ચુસ્ત પોલીસ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.