આગામી તા.૨૨મીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી ખાતે પીએમ મિત્રા પાર્કના ખાતમુહૂર્ત સંદર્ભે ઉધોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે.હૈદરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સુરત, નવસારી અને તાપી જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ તથા જિલ્લા પોલીસ વડાઓ રહ્યા ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તાપીના કાકરાપાર અણુમથકના ૭૦૦-૭૦૦ મેગા વોટના પ્લાન્ટો દેશને સમર્પિત કરશેઃ
આગામી તા.૨૨મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ.મિત્ર એપરેલ પાર્કનું ખાતમુહૂર્ત થનાર છે. સાથે સાથે અન્ય વિભાગોના કરોડોના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જેના આયોજન અર્થે ઉધોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે.હૈદરના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં શ્રીએસ.જે.હૈદરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત વડોદરા જિલ્લાના નેશનલ હાઈવે ઓથોરીટી, જી.આઈ.ડી.સી., માર્ગ અને મકાન, સુરત એસ.એમ.સી., પાણી પુરવઠા, ટ્રાયબલ વિભાગ, લેબર, ગૃહ તથા અર્બન વિભાગના થનાર વિકાસકામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણની વિગતોની સમીક્ષા કરી હતી. કાર્યક્રમમાં આવનાર લોકોને આવવા-જવાની વ્યવસ્થા, પાર્કિંગ, સભામંડપ, બેઠક વ્યવસ્થા અંગે સબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
બેઠકમાં જી.આઈ.ડી.સી.ના એમડી શ્રી રાહુલ ગુપ્તા તથા જોઈન્ટ એમડી નરેન્દ્રકુમાર મીના, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ સહિતના સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી તથા નવસારી-તાપી જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનશ્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના રૂ.૧૧૩૦ કરોડના ૧૪ વિકાસકામોનું લોકાર્પણ તથા રૂ.૨૧૧૨ કરોડના ૩૫ કામોનુ ખાતમુહૂર્ત તેમજ સુડાનું ૪૭૯ કરોડનુ એક કામ સહિત કુલ રૂ.૩૭૭૨ કરોડના ૫૩ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના વિવિધ વિભાગો તથા વડોદરા નેશનલ હાઇવે ઓથોરિટીના કરોડો વિકાસકામોનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નવસારીના કાર્યક્રમ બાદ તાપીના કાકરાપાર અણુ મથક ખાતે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત થયેલા ૭૦૦-૭૦૦ મેગાવોટના બે પ્લાન્ટો દેશને સમર્પિત કરશે.
