વેસુની ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજી(IDT) ખાતે ‘મારી લોકશાહી-મારો વેલેન્ટાઈન’ થીમ પર વેલેન્ટાઈન દિવસની અનોખી ઉજવણી
લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને નવા મતદાતા તરીકે નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરાયા
યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર વેસુ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજી(IDT) ખાતે ‘મારી લોકશાહી-મારો વેલેન્ટાઈન’ થીમ પર વેલેન્ટાઈન દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. પ્રેમના પ્રતિકસમા વેલેન્ટાઈન દિવસે યુવાઓને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરવા જવાબદાર નાગરિક તરીકે લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચૂંટણી આયોગની ટીમ દ્વારા ડિઝાઈનીંગ સંસ્થાના યુવાઓને ઈવીએમનો ડેમો આપવામાં આવ્યો હતો. નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયા તેમજ લોકશાહીમાં તેમની મહત્વની ભૂમિકા વિષે સમજાવી નવા મતદારોની નોંધણી કરવામાં આવી હતી. સાથે જ નવા મતદારોને ફરજિયાત મતદાનના શપથ લેવડાવી લોકશાહીને મજબૂત બનાવવાનું આહ્વાન કરાયું હતું.
આ કાર્યક્રમમાં નાયબ ચૂંટણી અધિકારી જી.એમ.બોરડ, સંસ્થાના નિર્દેશક અશોક ગોયલ, સમાજસેવક રાહુલ અગ્રવાલ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
–૦૦–
