એક વર્ષની શ્રેણી આજે હસતી રમતી કિલકિલાટ કરે છે, જે આભારી છે સરકારની આર.બી.એસ.કે. યોજનાને
કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતા મુકેશ કાકડેની દીકરી શ્રેણીને મળ્યું નવજીવન
રંગરોગાનનું કામ કરીને પેટીયું રળતા મુકેશ કાકડેની દીકરી શ્રેણીને છાતી અને પેટ વચ્ચેની (ડાયાફ્રાગ્મેટીક હર્નિયા) દીવાલનો વિકાસ થયો ન હતો, હ્રદયમાં પણ નાનુ કાણું હતું
ડોકટરોના ત્વરિત નિર્ણય અને સરકારની યોજનાના પરિણામે શ્રેણીને મળી ખુશીઓની સોગાદ: ત્રણ થી ચાર લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થયું
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હજારો બાળકોના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના વતની એવા મુકેશ કાકડેની એક વર્ષીય દીકરીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામુલ્યે સફળ ઓપરેશન થયું છે. રંગરોગાનનું કામ કરીને પેટીયું રળતા મુકેશભાઈ કાકડેની દીકરી શ્રેણીને છાતી અને પેટ વચ્ચેની (ડાયાફ્રાગ્મેટીક હર્નિયા) દિવાલનો વિકાસ થયો ન હતો, હ્રદયમાં પણ નાનુ કાણું હતું. જેનું ત્રણ થી ચાર લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થતા પરિવારને ખુશીઓની ભેટ મળી છે.
ખોલવડ ગામની ગુરૂકૃપા સોસાયટી ખાતે રહેતા ૨૮ વર્ષીય મુકેશ કાકડેએ જણાવ્યું કે, તા.૪થી એપ્રિલ,૨૦૨૪ના રોજ મારી પત્ની કલ્પના સગર્ભા હતી. તેને પ્રસૂતિની પીડા થતા નજીકના વાવ પીએચસી સેન્ટર ખાતે લઈ ગયા, જયાં નોર્મલ ડિલીવરી થઈ. દીકરીનો જન્મ થયો. વાવ સેન્ટરના ડો. સંદિપ પાનસુરીયાએ અમને કહ્યું કે, દીકરીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ઓક્સિજન લેવલ ઓછું છે. કોઈ મોટી બિમારીના કારણે આવું હોઈ શકે. જેથી વધુ તપાસ માટે નજીક આવેલી યુ.એન.એમ. હોસ્પિટલ ખાતે લઈ જવાની સલાહ આપી. તત્કાલ આર.બી.એસ.કે.ના ડો.મહેન્દ્ર ઘોઘારીને જાણ કરતા તેઓ હોસ્પિટલ ખાતે પહોચી ગયા. યુ.એન.એમ. હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દીકરીને દાખલ કરવામાં આવી. જ્યાં દીકરીનું ઓકિસજન લેવલ ખુબ ઓછું હોવાથી એન્ડોટ્રેકીયલ ટયુબ નાખીને વેન્ટીલેટર પર રાખી. તમામ જરૂરી રિપોર્ટ કરાવતા તેને જન્મજાત ભાગ્યે જોવા મળતી છાતી અને પેટ વચ્ચેની (ડિફાર્મેન્ટીક હર્નિયા) દિવાલનો વિકાસ થયો ન હતો. સાથે હ્રદયમાં પણ નાનુ કાંણુ હોવાનું નિદાન થયું. તત્કાલ ઓપરેશન કરાવવાની સલાહ આપી. પણ ઓપરેશનનો ખર્ચ ત્રણથી ચાર લાખ કહ્યો. ખર્ચની વાત સાંભળતા જ અમને આંચકો લાગ્યો.
એક તરફ દીકરીના જન્મની ખુશી અને ઓપરેશનનો માતબર ખર્ચ. પરંતુ ડો.મહેન્દ્ર ઘોઘારીએ કહ્યું કે, ઓપરેશનનો તમામ ખર્ચ RBSK યોજના હેઠળ ફ્રી માં થશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂરી નથી એમ જણાવતા અમને મોટી રાહત થઇ એમ મુકેશભાઈ કહે છે.
બીજા દિવસે ડો.અરૂણ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા દીકરીનું સફળ ઓપરેશન કરાયું. પાંચ કલાક ઓપરેશન ચાલ્યું. દીકરી શ્રેણીને હોસ્પિટલમાં ૧૬ દિવસ સારવાર અપાઈ. આજે એક વર્ષ બાદ દીકરી હસતી રમતી કલબલાટ કરી રહી છે.
પિતા મુકેશ કાકડે કહે છે કે, આજે મારી દીકરી શ્રેણીની તબિયત ખૂબ સારી છે, સંપૂર્ણ સ્વસ્થ છે. તત્કાલ અમને સહયોગી બનવા બદલ RBSK ટીમ તથા મેડિકલ ઓફિસર-વાવ, આરોગ્ય અધિકારી-કામરેજ, જિલ્લા આરોગ્ય અધિકારી તથા રાજ્યના આરોગ્ય વિભાગના સૌ અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. સમગ્ર પ્રક્રિયામાં આરોગ્યના દક્ષાબેન આહીર તથા આશાવર્કર રક્ષાબેન સહિતના કર્મચારીઓએ પોતાની સેવા આપી હતી.
ડો.મહેન્દ્ર ઘોઘારીએ કહ્યું કે, દીકરીનું ઓપરેશન આર.બી.એસ.કે. યોજના હેઠળ સફળતાપુર્વક સંપન્ન થયું છે. યુ.એન.એમ.ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ RBSK ટીમ દ્વારા અમારા ઘરની નિયમિત મુલાકાત લેવામાં આવે છે. હાલ એક વર્ષ બાદ દીકરી સંપુર્ણ સ્વસ્થ છે. નિયમિત હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ જવામાં આવે છે.
