આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી
ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોના નિયંત્રણ માટે ચાર જિલ્લાઓના આરોગ્ય, પશુપાલનના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
હાઈરિસ્ક ધરાવતા વિસ્તારમાં સઘન સર્વેલન્સ કરીને ગોળીઓના વિતરણ સાથે લોકોને જાગૃત્ત કરાશે
ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગર આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ.કતીરા(એપેડેમિક)ના અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા તેમજ સુરત-તાપી- નવસારી અને વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા પશુપાલન તથા અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સિવિલ સ્થિત મેડિકલ કોલેજના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ડો.જે.એમ. કતીરાએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસો તથા મહેનતના કારણે છેલ્લા વર્ષોમાં લેપ્ટોસ્પાયરોસીસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાઈરિસ્ક વસ્તી ધરાવતા વિસ્તારમાં સઘન સર્વેલન્સ કરીને ગોળીઓનું વિતરણ થાય તેમજ ખાસ કરીને લોકોને જે ગોળીઓ આપવામાં આવે છે તેનું લોકો સેવન કરે તે અંગે તકેદારી લેવા જણાવ્યું હતું. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણીનો વધુ ભરાવો થતો હોય તેવા વિસ્તારોમાં સર્વેલન્સ કરીને રોગ અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું.
સર્વે જિલ્લાના વડાઓને તેમના જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસના નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સઘન બનાવી, પેમ્પલેટ, બેનર દ્વારા જનજાગૃતિ લાવીને આગોતરૂ આયોજન કરવા સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત હાઈરિસ્ક ગામો પર પૂરતુ ધ્યાન આપી સતર્ક રહેવા જણાવીને દવાઓની ઉપલબ્ધતા, લોકોમાં રોગના લક્ષણો જણાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે, ઝડપી ટેસ્ટીંગ થાય તે અંગેની સૂચના આપી હતી. પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે લેપ્ટોને નિયંત્રણમાં રાખવા અંગેના સેમ્પલ મેળવીને ટેસ્ટીંગ અંગેની જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવાની સૂચનાઓ આપી હતી.
નોંધનીય છે કે, ૨૦૨૪ના વર્ષમાં લેપ્ટોના સુરત એસ.એમ.સી.માં પાંચ, સુરત જિલ્લામાં ચાર, વલસાડમાં પાંચ, નવસારીમાં ત્રણ, તાપીમાં બે તથા અન્ય મળી કુલ ૨૨ કેસો નોંધાયા હતા.
બેઠકમાં ડો.જેસવાણી, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, પશુપાલન, માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
