ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણ સાથે ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી
નવી સિવિલના આંખ વિભાગમાં રૂ.૧૦ લાખનું ઓપરેટિવ માઈક્રોસ્કોપ મશીનનું ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
ધાત્રી-સગર્ભા માતાઓને ૧૫૫ કિલો ગોળ-ખજૂર, ૫ દિવ્યાંગોને વ્હીલચેર અને વોકર, નવજાત બાળકોને રમકડા, ૧૫૫ ધાત્રી માતાઓને સાડીઓની ભેટ
વિવિધ વોર્ડના ૮૦૦થી વધુ દર્દીઓને ફ્રુટ કીટ વિતરણ
ચોર્યાસીના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈએ પરિવાર સાથે પોતાના ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડના દરિદ્રનારાયણ સાથે કરી હતી. આ અવસરે તેમણે નવી સિવિલના આંખ વિભાગમાં રૂ.૧૦ લાખનું ઓપરેટિવ માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કર્યું હતું. ઓપરેટિવ માઈક્રોસ્કોપ મશીન સર્જરી દરમિયાન નાની નસો, તંતુઓ કે કોષોને સ્પષ્ટ રીતે જોઈ શકાય અને આંખની તમામ પ્રકારની સર્જરીમાં ઉપયોગ કરી શકાશે.
તેમણે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ધાત્રી અને સગર્ભા માતાઓને ૧૫૫ કિલો ગોળ, ૧૫૫ કિલો ખજૂર, ન્યુટ્રીશન કીટ અર્પણ કરી હતી. નવજાત બાળકોને રમકડા, દિવ્યાંગોને વ્હીલચેર અને વોકર, * ૧૫૫ ધાત્રી માતાઓને સાડીઓ અર્પણ કરી હતી. સંદીપભાઈએ દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા.
ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ કહ્યું કે, ‘કોટિજન્માર્જિતં ફલમ્’ એટલે કે, જન્મદિવસે કરેલું દાન લાખો જન્મોમાં કરેલા સદ્દકર્મ જેટલું ફળ આપે છે. જન્મદિવસ એ માત્ર ઉજવણીનો દિવસ નથી, પણ એ એવો દિવસ છે જ્યાં વ્યક્તિ પોતાના જીવન માટે ઈશ્વરને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેનો શ્રેષ્ઠ માર્ગ છે સમાજને કશુંક પરત આપવાની તક આપે છે.
મેડિકલ કોલેજના ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે, રાજકીય આગેવાન હોવા છતા ગરીબ દર્દીઓ પ્રત્યેની સંવેદનાને સંદિપભાઈ દેસાઈએ આરોગ્ય મંદિરમાં જન્મ દિવસની ઉજવણી કરીને સાર્થક કરી છે.
નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, જન્મદિવસે દાન કરવાનો સંકલ્પ એ જીવનમાં ઉચ્ચ આત્મીયતા અને નમ્રતાની શરૂઆત છે. આ દિવસે આપેલ દાન માત્ર સામાજિક સેવા નથી, પરંતુ એ તમારી આત્મા માટે આધ્યાત્મિક તૃપ્તિ અને ઈશ્વરપ્રેમની અનુભૂતિ આપે છે. ભગવાને આપેલા જીવનના દરેક જન્મદિવસે જનસેવા સાથે ઉજવણી કરવી એ સેવાનું સાચું રૂપ છે.
જન્મદિવસની ઉજવણીને જનસેવા સાથે જોડતા કર્મઠ ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈ જન્મદિવસને શુભશરૂઆત ભગવાનની પૂજા-અર્ચનાથી કર્યા બાદ સીધા જ દરિદ્રનારાયણની સેવામાં જોતરાઈ ગયા હતા. જન્મદિવસ નિમિત્તે સિવિલના મહિલા સફાઈ કામદારો, દિવ્યાંગોએ ધારાસભ્યશ્રીને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. મોંઘા સાધનો નિ:શુલ્ક મેળવનાર દિવ્યાંગોની ખુશી તેમના ચહેરા પણ છલકાતી હતી.
આ પ્રસંગે સંદીપભાઈના ધર્મપત્ની, મેડિકલ કોલેજના ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી જિગીષા શ્રીમાળી, નિરજા પટેલ અને સ્ટેફી મેકવાન, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, આર.એમ.ઓ.ડો.કેતન નાયક, નગરસેવક હેમાંશુ રાઉલજી, નર્સિંગ એસો.ની ટીમના વિરેન પટેલ, સંજય પરમાર સહિત નવી સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ, ધારાસભ્યના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
