ડુમસ કેનાલ રોડ ખાતે સુરત મનપા દ્વારા રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે સાકારિત વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
રાજ્ય સરકાર દરિયા કિનારાના વિકાસ અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવા માટે સતત પ્રયાસશીલ
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના ખૂણે ખૂણે તિરંગા યાત્રા યોજી વીર સૈનિકોને અપાઈ રહેલું સન્માન દેશની દેશની એકતા-દેશદાઝનું પ્રતિબિંબ
*-:ગૃહ રાજ્યમંત્રી
ડુમસ દરિયા કિનારાના વિકાસથી પ્રવાસનને વેગ મળે એ સરકારનો ઉદ્દેશ છે: ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ
સુરત મનપા શહેરીજનોની સેવા અને સુવિધા માટે સતત કાર્યરત: મેયર દક્ષેશભાઈ માવાણી
ગૃહ, રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં.૨૨માં ડુમસ કેનાલ રોડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે સાકારિત રોડ, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રોમ લાઈનના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડુમસ દરિયાકિનારો હરવાફરવા-પ્રવાસન માટેનું લોકપ્રિય સ્થળ છે, ત્યારે રજાઓના દિવસોમાં ડુમસના મુખ્ય રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેને દૂર કરવા માટે ઓએનજીસી બ્રિજથી સાયલન્ટ ઝોન જંકશન સુધી નવો સુરત-ડુમસ રોડ બનાવવામાં આવ્યો છે. શહેરીજનોને આ એક વધુ માર્ગ મળ્યો છે, જેના માધ્યમથી ટ્રાફિકના અવરોધ વિના સરળતાથી દરિયા કિનારે પહોંચી શકે છે.
રાજ્ય સરકાર દરિયા કિનારાના વિકાસ અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવા માટે સતત પ્રયાસશીલ છે એમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્વચ્છ અને સુઘડ ટુરિસ્ટ પ્લેસ સહેલાણીઓને આકર્ષે છે. જેથી ડુમસના સ્થાનિક નાગરિકોએ સ્વચ્છતા જાળવી રાખવા માટે નાગરિક સમિતિની રચના કરવી જોઈએ અને દરિયા કિનારાને સ્વચ્છ રાખવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. સ્વચ્છ દરિયા કિનારાને કારણે પ્રવાસીઓની સંખ્યા વધશે, જેના કારણે સ્થાનિક લોકોને રોજગારીના અવસર મળી રહેશે.”
ગૃહરાજ્યમંત્રીશ્રીએ દેશના સૈનિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “ભારતના નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર આતંકવાદીઓનો ખાત્મો કરવાની કામગીરી દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા સફળતાપૂર્વક કરી છે. આપણી સેના વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાં સ્થાન ધરાવે છે. ઉપરાંત, આજે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની તાકાતનો દુનિયાને પરિચય થયો છે. દુનિયાભરમાં શક્તિશાળી બની છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના ખૂણે ખૂણે તિરંગા યાત્રા યોજી વીર સૈનિકોને અપાઈ રહેલું સન્માન દેશની દેશની એકતા-દેશદાઝનું પ્રતિબિંબ છે.
મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યુ કે, સુરતને અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રે સાત રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. સુરત મનપા શહેરીજનોની સેવા અને સુવિધા માટે સતત કાર્યરત છે. ડુમસ બીચ વિસ્તારમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોમાં વિશેષત: મહત્વાકાંક્ષી ‘ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’નું પણ ઝડપભેર કામ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. નવા રસ્તાના નિર્માણથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને લોકોને વધુ સરળ અને સુરક્ષિત આવાગમન સુવિધા મળશે.
ધારાસભ્યશ્રી સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, ડુમસ દરિયા કિનારાના વિકાસથી પ્રવાસનને વેગ મળે એ સરકારનો ઉદ્દેશ છે. ઉપરાંત, સુરત મનપા દ્વારા અંદાજિત રૂ.૧૭૫ કરોડના ખર્ચે ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આગામી સમયમાં અંદાજિત રૂ.૫૦૦ કરોડના ખર્ચે બીચ વિસ્તારનો વિસ્તૃત વિકાસ કરાશે. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આસપાસના રહીશો અને પ્રવાસીઓને નોંધપાત્ર રાહત મળશે.
આ પ્રસંગે શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, સમાજ અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.
.
વિકાસકામોથી લોકોની સુવિધા અને સુખાકારીમાં થશે વધારો:
ડુમસ ખાતે ૫ કિમી જેટલી લંબાઇમાં ઓલ સેકશન ડામર રોડ બનાવવામાં આવ્યો છે, આ કેનાલ રોડના કારણે એરપોર્ટ, ડુમસ બીચ તેમજ ભવિષ્યમાં સાકર થનાર સી ફેસ ડેવલપમેન્ટ માટેના વાહન વ્યવહારને નવો વૈકલ્પિક રસ્તો મળશે. સુરત ડુમસ રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું થશે.તેમજ એરપોર્ટની સામેના ભાગમાં નવા ડેવલપ થતા વિસ્તારના રહીશોને ડુમસ બીચ, ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ, ડુમસ ગામ, કાદીફળીયા, સુલતાનાબાદ,ગવિયર ગામને નવી કનેક્ટિવિટી મળશે, જેના થકી ૧ લાખથી વધુ લોકોને લાભ મળશે. કેનાલ રોડની પહોળાઇ ૩૬ મીટર છે. હાલમાં બંને તરફ ૬ મીટર પહોળાઇમાં સર્વિસ રોડ બનાવાયો છે..એરપોર્ટની સામેના ભાગે ડેવલપ થતા નવા વિસ્તાર અને ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ, કાદી ફળિયા જેવા ગામના લોકોને કનેક્ટિવિટી મળતા ટ્રાફિકનું ભારણ ઓછું થશે.
