લગ્ન પ્રસંગમાં આવેલા માતા-પિતાથી વિખૂટા પડી ગયેલા નવ વર્ષના બાળકને શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવતી સલાબતપુરા પોલીસ
માનદરવાજા ખાતે લગ્નપ્રસંગ દરમિયાન નવ વર્ષનો સાહિલ રમતા-રમતા ગુમ થયો હતો
સઘન ચેકિંગ, હ્યુમન સોર્સ, તપાસ-શોધખોળના કારણે બાળકને ગણતરીના કલાકોમાં શોધવામાં સફળતા મળી: સલાબતપુરા પીઆઈ કે.ડી. જાડેજા
બાળક સહીસલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવવાહી દ્રશ્યો
માતા-પિતાથી વિખૂટા પડેલા નવ વર્ષના બાળકને શોધી માતાપિતા સાથે પુનઃમિલન કરાવી સલાબતપુરા પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે. બાળક સહીસલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
લિંબાયત વિસ્તારના આંબેડકરનગરમાં રહેતો મુસ્લિમ પરિવાર માનદરવાજા સ્થિત પદમાનગર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો, ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં નવ વર્ષનો સાહિલ બાળકો સાથે રમતા-રમતા દૂર ચાલ્યો ગયો હતો. સાહિલ માટે વિસ્તાર અજાણ્યો હોવાથી ઘરે પરત આવી શક્યો ન હોવાથી માતા-પિતા સાથે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પણ સાહિલ ન મળતા પરિવારજનોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
સાહિલને શોધવા સલાબતપુરા પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આર.જે.ચૌહાણ, પીઆઈ એસ.એ.શાહ તેમજ પીએસઆઈ, પોલીસની શી ટીમ અને પાંચ સર્વેલન્સ ટીમો માનદરવાજા વિસ્તારમાં બાળકના ફોટા સાથે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસના કામે લાગી હતી અને ગણતરીની કલાકોમાં ટીમ વર્ક થકી નવ વર્ષના સાહિલને શોધી કાઢ્યો હતો.
સલાબતપુરા પીઆઈ કે.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, માતાના ચહેરા પરથી લગ્ન પ્રસંગનો ઉમંગ ઊડી ગયો હતો અને પરિવાર ખૂબ ચિંતિત હતો. પરંતુ સઘન ચેકીંગ, હ્યુમન સોર્સ, તપાસ-શોધખોળના કારણે અમને સફળતા મળી હતી.
સાહિલની માતાએ પોલીસને દુઆ આપતા કહ્યું હતું કે, પોલીસ અમારા માટે દેવદૂત બનીને આવી. પોલીસ માટે જેટલી દુઆ કરૂ એટલી ઓછી છે એમ જણાવી હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
