મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ: મહુવા તાલુકાના બારોડીયા ગામની મા-દીકરીએ ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
બારોડીયા ગામના ૪૪ વર્ષીય સરલાબેને શિક્ષિકાની નોકરી છોડી પોતાની ૬૫ વર્ષીય માતા નયનાબેન સાથે મળી પ્રાકૃતિક ખેતી શરૂ કરી
૨.૫૦ વીઘા જમીનમાં કેળા અને હળદરના પાકનું નજીવા ખર્ચે વાવેતર કરી મહિને રૂ.૩૦ હજારની આવક મેળવી રહ્યા છે
પ્રાયોજના વહીવટદાર કચેરીની ‘ટીસ્યુ કલ્ચર બનાના યોજના’થી મહિલા ખેડૂત આત્મનિર્ભર બન્યા
ટીસ્યુ કલ્ચર બનાના યોજના હેઠળ સરલાબેનને ૨.૫૦ વીઘા જમીનમાં ૧૫૦૦ ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ, ૪૫ બેગ સિટી કમ્પોઝ, ૧૦ બેગ યુરિયા, ૮ બેગ પોટાસ અને અન્ય ફૂગનાશક દવાઓનો લાભ મળ્યો
હળદર પાવડર પીસવાના પલ્વાઇઝર મશીન પર રૂ.૨૨,૧૪૦, પાવર ટીલર મશીન પર રૂ.૩૨,૨૫૦, ઝટકા મશીન પર રૂ.૧૦,૦૦૦ અને પ્રેશર પંપ મશીન પર રૂ.૮૦૦૦ની સબસિડીનો લાભ મેળવ્યોઃ
આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. મહિલાઓ પોતાના ભાઇ, પિતા કે પતિને ખેતીમાં મદદરૂપ બની રહી છે અને મહિલા પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવી રહી છે. પ્રાકૃતિક ખેતીમાં પણ મહિલા ખેડૂતો સફળતા મેળવી રહી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારોડીયા ગામના ૪૪ વર્ષીય આદિવાસી મહિલા ખેડૂત સરલાબેન રાઠોડ અને તેમના ૬૫ વર્ષીય માતા નયનાબેન તેનું ઉત્તમ ઉદાહરણ છે. છે, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગાયના છાણના ખાતર તેમજ ગૌમૂત્ર આધારિત કેળાં અને હળદરની પ્રાકૃતિક ખેતી કરી ઉત્તમ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે.
પ્રાયોજના વહીવટદાર કચેરી-માંડવી દ્વારા ટીસ્યુ કલ્ચર બનાના યોજના હેઠળ સરલાબેનને ૨.૫૦ વીઘા જમીનમાં ૧૫૦૦ ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ, ૪૫ બેગ સિટી કમ્પોઝ, ૧૦ બેગ યુરિયા, ૮ બેગ પોટાસ અને અન્ય ફૂગનાશક દવાઓનો લાભ મળ્યો છે. ૧૫૦૦ ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ થકી કેળાની ખેતી કરી આત્મનિર્ભર બન્યા છે.
સરલાબેન રાઠોડ જણાવે છે કે, વર્ષ ૨૦૧૩માં પિતાના અવસાન બાદ માતા સાથે ખેતીના વ્યવસાયમાં રસ લેવાની શરૂઆત કરી ધીરે ધીરે ખેતીમાં રસ પડવા લાગ્યો. શિક્ષિકાની નોકરી છોડી ખેતી તરફ આગળ વધવાની શરૂઆત કરી. એવામાં પ્રાકૃતિક ખેતી વિશે આત્મા પ્રોજેક્ટ કચેરી તરફથી માહિતી મળતા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીની શિબિરમાં જોડાઈ. શિબિરમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરતાં અન્ય ખેડૂતો અમારા પર હસતાં અને કહેતાં મહિલા થઇ ખેતી કરે છે. મહિલાઓ તો ઘરમાં શોભે. પરંતુ આજે એ તમામ લોકો કરતાં વધારે સારૂ ઉત્પાદન મેળવી ખેતી કરી રહ્યાં છીએ. આજે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળતાં લોકો સન્માન આપે છે.
વધુમાં તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં કેળાના રોપા માટે ઓનલાઇન અરજી કરી હતી, જે અરજી મંજૂર થઈ અને મને ૧૫૦૦ કેળાંના રોપા મળ્યા. ખાતરમાં ૪૫ બેગ સિટી કમ્પોઝ, ૧૦ બેગ યુરિયા, ૮ બેગ પોટાસ અને અન્ય ફૂગનાશક દવાઓ પણ મળી હતી. ૨.૫૦ વીઘામાં ૧૫૦૦ રોપાનું વાવેતર કરી હવે કેળાંનો પાક તૈયાર થયો છે.
વાવેતર પાછળ થતાં ખર્ચ વિષે તેમણે જણાવ્યું કે, નિંદામણ અને ખેડમાં કુલ ૮૦-૯૦ હજારનો ખર્ચ થાય છે, જેમાં સરકારની સહાય મળવાથી અંદાજે રૂ.૩૦ હજારનો ખર્ચ જ મેં વહન કર્યો છે. ૧૫૦૦ રોપાના વાવેતર થકી તૈયાર થયેલા ઉત્પાદનના વળતર વિષે તેમણે કહ્યું કે, રૂ.૧૩થી ૧૫ના ભાવ આધારે મને કુલ વાવેતરના રૂ.૩ લાખનું વળતર મળશે. અને તમામ ખર્ચા બાદ કરતા મને રૂ.૨.૫૦ લાખનો નફો મળશે.
તેમણે ઉમેર્યું કે, કેળાની સાથે આંતરપાક તરીકે હળદરનું પણ વાવેતર કર્યું છે, આ હળદરનું મૂલ્યવર્ધન કરી હળદળનો પાવડ૨ બનાવી સોશિયલ મિડિયાના માધ્યમથી વેચાણ કરી કરીએ છીએ. જેનાથી મહિને ૩૦ હજારની આવક થઈ રહી છે.
અંતે તેમણે સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે જણાવ્યું કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. હળદર પાવડર પીસવાના પલ્વાઇઝર મશીન પર રૂ.૨૨,૧૪૦, પાવર ટીલર મશીન પર રૂ.૩૨,૨૫૦, ઝટકા મશીન પર રૂ.૧૦,૦૦૦ અને પ્રેશર પંપ મશીન પર રૂ.૮૦૦૦ની સહાય પ્રાપ્ત થઇ છે. સરકાર તરફથી મળેલી સહાય થકી હું આત્મનિર્ભર બની છું એમ જણાવતા તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ આદિવાસી મહિલા ખેડૂત સરલાબેન રાઠોડ અને તેમના માતા નયનાબેન પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
