કેરળના કાલીકટ ખાતે નેશનલ ટ્રાઈબલ લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન કવિ-લેખક કુલીન પટેલે ધોડીઆ ભાષા-સંસ્કૃતિને ઉજાગર કરી
કેરળ સરકાર અને કેરળ ઈન્સ્ટીટ્યુટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ સિડ્યુલ કાસ્ટ એન્ડ સિડ્યુલ ટ્રાઈબ્સ (KIRTADS) ના સંયુક્ત ઉપક્રમે નેશનલ ટ્રાઈબલ લિટરેચર ફેસ્ટિવલ નું ૨૭ થી ૨૯ માર્ચ દરમિયાન કોષિક્કોડ (કાલીકટ) ખાતે આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાંથી જાણીતા કવિ-લેખક કુલીન પટેલને પણ આ કાર્યક્રમમાં નિમંત્રિત કરાયા હતા. તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ધોડીઆ આદિવાસીઓ દ્વારા બોલાતી ધોડીઆ ભાષા અંગે વિસ્તૃત ચર્ચા કરીને ‘કંસેરી કથા’ વિશે જાણકારી આપતાં ઉપસ્થિત સાહિત્યિકોની પ્રસંશા પ્રાપ્ત કરી હતી. સ્વરચિત ધોડીઆ ભાષાની કવિતા રજૂ કરીને ધોડીઆ પરિચય કરાવ્યો હતો. ધોડીઆ સમુદાયના ઉત્સવો, તુર નૃત્ય અને નૃત્ય ગીતો તેમજ સુધારણા ચળવળ ‘દેવીના ધુણા’ અંગે વિશેષ જાણકારી આપી હતી. મંચ પર કેરાલાના વિદ્વાન લેખિકા ડૉ. શાલીની સાથે ચર્ચા દરમિયાન પૂછાયેલા પ્રશ્નો થકી ભારતભરમાં થી આવેલા લોકોને ધોડીઆ આદિવાસીઓની સાંસ્કૃતિક બાબતોથી વાકેફ કર્યા હતા. ગુજરાતના આદિવાસી સાહિત્ય અને ભાષા તરફે દેશભરમાંથી આવેલા સાહિત્યકારોએ અહોભાવ વ્યક્ત કર્યો હતો.
કુલીન પટેલ પોતાની જન્મભાષા ધોડીઆ ઉપરાંત ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં કવિતાઓ, વાર્તા તેમજ લેખો લખીને દક્ષિણ ગુજરાતની આદિવાસી ધરાના જીવન સાહિત્યને દુનિયા સમક્ષ મૂકતા આવ્યા છે. ધોડીઆ ભાષા અંગે એમણે વિશેષ રીતે કામ કરીને સાહિત્ય જગતમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે., ધોડીઆ ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી આપવા બાબતે કુલીન પટેલની કામગીરીના પ્રતાપે ધોડીઆ આદિવાસી સમુદાયની ઓળખ વિશ્વ સમક્ષ પ્રસ્તુત થઈ છે.
