કાંકરિયા ગુણસવેલ રોડ પરથી ડાંગરની પુળીની આડમાં લઈ જવાતો વિદેશીદારૂ મહુવા પોલીસે ઝડપી પાડ્યો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વલસાડ થી નવસારી,કાંકરિયા,ગુણસવેલ ગામ થઈ સુરત શહેરમાં ટેમ્પો ભરી વિદેશી દારૂ જનાર હોવાની બાતમી મહુવા પોલીસને મળી હતી.જે બાતમી આધારે મહુવા પોલીસ સ્ટાફ કાંકરિયા ગુણસવેલ રોડ પર આવેલ હેમંતભાઈના ખેતર નજીક વોચમાં બેઠા હતા તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો (GJ-15-XX-7353)આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કરતા ચાલક ટેમ્પો મૂકી ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો.પોલીસે ટેમ્પા નજીક જઈ તલાસી લેતા ડાંગરના પુરાની આડમાં સંતાડેલ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.મહુવા પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 1752 નંગ બોટલ કિંમત રૂ.2,51,664 અને ટેમ્પો કિંમત રૂ.2 લાખ મળી કુલ્લે 4,51,664 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટેમ્પો ચાલક શુભમ ઉર્ફે શંભુ તુલસી પટેલ અને દારૂનો જથ્થો ભરી આપનાર સંજય નવીનભાઈ પટેલ (બંને રહે-કડવીબોર, રોહિણાગામ,ઉદવાડા,જી-વલસાડ)ને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ મહુવા પોલીસે હાથ ધરી હતી.
