ગંગાસ્વરૂપા સહાય યોજનાના લાભથી ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર મળ્યો: લાભાર્થી રેણુકાબેન સુરતી
* પલસાણા તાલુકાના સાકી ગામના રેણુકાબેન સુરતી ગંગાસ્વરૂપા પેન્શન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન અને આયુષ્યમાન ભારત યોજનાનો મેળવી રહ્યા છે લાભ*
સ્વમાનભર્યા જીવનનો પર્યાય એટલે ગંગાસ્વરૂપા સહાય યોજના
‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩’ હેઠળ અન્ન સુરક્ષા સરળતાથી પૂરી પાડવા માટે તથા વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ‘વન નેશન, વન રેશનકાર્ડ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાથી પહોંચાડવામાં આવી રહ્યા છે.
સુરત જિલ્લા પલસાણા તાલુકાના સાકી ગામમાં રહેતા ૫૮ વર્ષીય રેણુકાબેન ધીરુભાઈ સુરતીને ગંગાસ્વરૂપા સહાય યોજના હેઠળ માસિક રૂ.૧૨૫૦ ની સહાય મળી રહી છે, ત્યારે આ સહાયે ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર આપ્યો હોવાનું આનંદથી જણાવે છે.
રેણુકાબેન કહે છે કે, આજથી બે વર્ષ પહેલા મારા પતિનું લાંબી માંદગીના કારણે ૬૫ વર્ષની વયે અવસાન થયું હતું. પરિવારમાં બે દિકરા, એક દિકરી અને બે દિકરાની વહુ સાથે રહું છું. મેં ૨૫ વર્ષ આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવી છે અને હાલ નિવૃત્ત જીવન જીવી રહી છું. રાજ્ય સરકાર દ્વારા વિધવા સહાયનો લાભ મળવાથી ઢળતી ઉંમરે પણ સ્વમાનભેર જીવન જીવી રહી છું. અને મને છેલ્લા બે વર્ષથી દર મહિને રૂ.૧૨૫૦ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે મારા અકાઉન્ટમાં જમા થઈ રહ્યા છે. જેનો હું જીવનનિર્વાહમાં ઉપયોગ કરી રહી છું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, વિધવા સહાય યોજના સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દર મહિને ઘંઉ, ચોખા, તુવેર દાળ, ખાંડ અને તેલ મળી રહ્યું છે, અને આયુષ્યમાન ભારત (પી.એમ.જે.એ.વાય.) જેવી યોજનાનો લાભ આપીને સરકારે અમારા આરોગ્યની ચિંતા કરી છે.
રેણુકાબેન જેવી ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતી કંઇ કેટલીય બહેનોને સરકાર દ્વારા મળી રહેલી સહાય મોટું પીઠબળ છે. વિધવા સહાય મળતા આ ગ્રામીણ મહિલાના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળી હતી. રેણુકાબેન કહે છે કે, અમારા જેવા આર્થિક રીતે નબળા પરિવારોના જીવન નિર્વાહની ચિંતા સરકાર પોતે કરી રહી છે એનો અમને આનંદ છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબો હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓ માટે દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવે છે, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય)એ અનેક પરિવારોને ગરીબો, જરૂરિયાતમંદો અને નબળા પરિવારો-લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી છે.
