ચોર્યાસી તાલુકાના રાજગરી ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
મહિલા ખેડૂત કૈલાશબેન ૨ એકર જમીનમાં શાકભાજીના પાકોનું નજીવા ખર્ચે વાવેતર કરી મહિને રૂ.૮ હજારની આવક મેળવી રહ્યા છે
ગાયના છાણ આધારિત પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ મેળાઓનું અવારનવાર આયોજન ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે:
:- કૈલાશબેન પટેલ
ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં મહિલાઓ પોતાના ભાઈ, પિતા કે પતિને મદદરૂપ બનતી હોય છે. પણ જાતે ખેતી અને તેમાં પણ પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય એટલી હશે, ત્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામના કૈલાશબેન રાજુભાઈ પટેલ આવા જ એક મહિલા ખેડૂત છે, જે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવી રહ્યા છે. ૨ એકર જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી વાવેતર કરી મહિને રૂ.૮ હજારની આવક રળી રહ્યા છે.
વેસુ ખાતે આયોજિત કૃષિ સન્માન સમારોહમાં ભાગ લેવા આવેલા રાજગરી ગામના મહિલા ખેડૂત કૈલાશબેને જણાવ્યું કે, લગ્ન પછી હું સાસુ-સસરાને ખેતીકામમાં સહાયરૂપ થતી હતી, અને ત્યાંથી જ ખેતી પ્રત્યે રસ વધવા લાગ્યો. સમય જતા પ્રાકૃતિક ખેતીના ફાયદાની જાણ થતા આ ખેતી પ્રત્યે આકર્ષણ જન્મ્યું, જેથી તેની પ્રક્રિયા સમજવા અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ શાકભાજીનું વાવેતર શરૂ કર્યું, જેમાં ઉત્તમ ઉત્પાદન મળ્યું. પ્રાકૃતિક ખેતીના લીધે પાકમાં કોઈ રોગ ફેલાયો નહીં, જેનાથી આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધ્યો. હાલમાં હું બે એકર જમીનમાં શાકભાજીનું વાવેતર કરી રહી છું, જેનાથી મહિને આશરે રૂ. ૮,૦૦૦ની આવક મેળવી રહી છું.
વધુમાં તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ વેચાણ મેળાઓ યોજવામાં આવે છે, જેમાં સ્ટોલ લગાવતા એક દિવસમાં સારૂ એવું વેચાણ થાય છે. જેનાથી ઘરપરિવારનું ગુજરાન સરળતાથી કરી રહી છું. આવકના એક ભાગનો ઉપયોગ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા પર પણ કરૂ છું.
તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક એટલે મૂળભૂત પ્રાકૃતિક સિદ્ધાંતો આધારિત ખેતી જ કરવી એવું પ્રારંભથી જ નિશ્ચિત કર્યું હતું. ખેતરમાં જાતે કામ કરવાનું, જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. ઘરે ગાયના છાણમાંથી ખાતર બનાવીએ અને ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે.
પ્રાકૃતિક ખેતીનાઅનેકવિધ લાભો ચગે એમ જણાવતા તેમણે કહ્યું કે, આ ખેતી મહત્તમ અને બમણું ઉત્પાદન આપે છે, આવક વધે અને ભાવ પણ વધારે મળે છે, જેથી નુકસાન જતું નથી. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની પણ બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.
