દહેજ આપવું કે લેવું એ દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત ગુનો છે: છ માસથી ૫ વર્ષની સજા અને દંડની જોગવાઈ
કમિશનર, મહિલા અને બાળ વિકાસ કચેરી, ગાંધીનગરની દેખરેખ હેઠળ સમગ્ર રાજ્યમાં દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧નું અમલીકરણ અને સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. કાયદાની જોગવાઈ મુજબ લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન કે લગ્ન પછી લગ્નની શરત તરીકે લગ્નનાં બંને પક્ષકારો પૈકી કોઈ પણ પક્ષકાર દહેજનાં ભાગ રૂપે કોઈ પણ ચીજવસ્તુ, કીમતી દાગીના, માલ-મિલકત, કીમતી જામીનગીરી આપે, લે કે લેવા-આપવા કબુલે કે તેમાં સામેલ થાય તેને ઉક્ત અધિનિયમ મુજબ ઓછામાં ઓછી ૦૬(છ માસ)થી લઈને ૫(પાંચ) વર્ષની સજા અને દંડની જોગવાઈ કરાયેલી છે. તથા દહેજ અટકાયત (નવવધુ અને વરરાજાને મળેલ ભેટ- સોગાદોની યાદી રાખવાં બાબત) નિયમો-૧૯૮૫ મુજબ બંને પક્ષોએ વર અને વધુને લગ્ન વખતે મળેલ તમામ ભેટ-સોગાદોની યાદી તૈયાર કરી વર, વધુ અને બંને પક્ષોના માતા-પિતાએ સહી કરીને નિભાવાની રહેશે. દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અને દહેજ અટકાયત (નવવધુ અને વરરાજાને મળેલ ભેટ-સોગાદોની યાદી રાખવાં બાબત) નિયમો-૧૯૮૫નું ઉલ્લંઘન કરનારને કાયદાની જોગવાઈ મુજબ સજા અને દંડ કરવામાં આવશે. જેની સર્વે લગ્ન પક્ષકારોએ નોંધ લેવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી,સુરતની યાદીમાં જણાવાયું છે.
