સુરત શહેર-જિલ્લામાં છ સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ: સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા સામૂહિક ‘ઓપરેશન અભ્યાસ’
કોઈ પણ આપત્તિ-કટોકટી દરમિયાન ઝડપી પ્રતિસાદ તેમજ લોકોને સતર્ક- જાગૃત્ત કરવા માટે ‘ઓપરેશન અભ્યાસ’ મોકડ્રીલનું સફળ આયોજન
૪.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાઈ: સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન ગુંજી
પહેલગામ આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા આપેલા નિર્દેશના ભાગરૂપે સુરત શહેર-જિલ્લામાં પાંચ સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. ૪.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાઈ હતી. સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન ગુંજી ઉઠી હતી. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે ‘ઓપરેશન અભ્યાસ’ નામથી સામૂહિક કવાયત હાથ ધરાઈ હતી. અનિવાર્ય યુદ્ધ કટોકટી, આપત્તિની સ્થિતિમાં આમ નાગરિકોને સંરક્ષણની તાલીમ આપવા, જાગૃત્ત કરવાના ઉદ્દેશ્ય સાથે દેશના કુલ ૨૪૪ અને રાજ્યના ૧૯ શહેરોમાં મોકડ્રીલ થઈ હતી.
કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મુખ્ય હેતુ સાથે પીપલોદના ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર, સચીન GIDCની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ, પલસાણાની સ્પેક્ટ્રમ ડાઈઝ & કેમિકલ લિ, ચોર્યાસી તાલુકાના કવાસ સ્થિત NTPC કવાસ પાવર પ્લાન્ટ, કાકરાપાર અણુમથક અને બારડોલી સુગર ફેક્ટરી-બાબેન ખાતે ‘ઓપરેશન અભ્યાસ’ મોકડ્રીલ યોજાઈ હતી.
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શનમાં આયોજિત ‘ઓપરેશન અભ્યાસ’ ના તમામ છ સ્થળોએ ૧૦૮ એમ્બ્યુલન્સ, પીસીઆર વાન, ફાયર સ્ટાફ અને સુરક્ષા દળો તૈનાત કરી તાત્કાલિક રેસ્ક્યુ, રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાયરન વગાડી હવાઈ હુમલો થવાનો સંકેત આપી લોકો, કંપનીના કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસી જવા એલર્ટ કરવામાં આવ્યા હતા. મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સ, આરોગ્ય સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર પર નજીકના આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
-૦૦-
