સુરતના ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોકડ્રીલ યોજાઈ
જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મનપા દ્વારા શહેરના ડુમસ રોડ સ્થિત ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના આઠમા માળે અચાનક હવાઈ હુમલો થયો હતો. જેના જેના કારણે પહેલા અને આઠમા માળે આગ ફાટી નીકળી હતી. જેથી ઈમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ, ફાયરની ટીમો તથા એમ્બ્યુલન્સ વાન પહોચી હતી. આ બિલ્ડીંગ શહેરનું મોટું કોમર્શિયલ સેન્ટર હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યો હતો. સિવિલ ડિફેન્સ, ફાયર અને આરોગ્યકર્મીઓએ ફસાયેલા સ્ટાફને રેસ્કયુ કરીને નજીકના સ્માર્ટ બજાર ખાતે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે સનશાઈન હોસ્પિટલ ખસેડયા હતા. શહેરની સેવાભાવી સંસ્થા પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ હતી.
કલેક્ટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીના વડપણમાં દોઢ કલાક ચાલેલી મોકડ્રીલમાં નેહરૂ યુવા કેન્દ્રના જવાનો, એન.સી.સી., ૧૦૮ની ટીમ, મનપાના અધિકારીઓ, ડીજીવીસીએલ, ગુજરાત ગેસના અધિકારીઓ તથા સિવિલ ડિફેન્સના સ્ટાફ જોડાયા હતા.
સચીન GIDCની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ ખાતે ટેન્કર પાર્કિંગ એરિયામાં એક્રીલોનાઇટ્રાઇલ કેમિકલથી ભરેલા ટેન્કર પર હવાઈ હુમલો (Air raid) થતા બ્લાસ્ટ થયો: ૩૦ મિનિટમાં મિસાઈલ ફાયર બ્લાસ્ટ પર મેળવાયો કાબૂ
સુરત શહેરના સચીન GIDC સ્થિત કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં ટેન્કર પાર્કિંગ એરિયામાં એક્રીલોનાઇટ્રાઇલ કેમિકલથી ભરેલા ટેન્કર પર મિસાઈલથી હવાઈ હુમલો (Air raid) થતા ફાયર બ્લાસ્ટ થયો હતો અને ટેન્કરમાં આગ લગતા નાસભાગ થઈ હતી. સાઇરન વગાડીને હવાઈ હુમલો (એર રેડ) થવા અંગે જાહેર જનતા તેમજ આસપાસની કંપનીઓના કર્મચારીઓને સચેત કરાયા હતા. જેથી સ્થાનિક નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. ૩૦ મિનિટની જહેમત બાદ મિસાઈલ ફાયર પર કાબુ મેળવવામાં ફાયર ફાયટરોને સફળતા મળી હતી. ધારાસભ્ય સર્વશ્રી સંદિપ દેસાઈ, સંગીતા પાટીલ, જિલ્લા સંગઠન પ્રમુખ પરેશ પટેલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની વિશેષ ઉપસ્થિતિના આયોજિત આ મોકડ્રીલમાં પોલીસ, સિવિલ ડિફેન્સ, ફાયર, કંપનીના ફાયર ટેન્ડરો, બચાવકર્મીઓની મહત્વની કામગીરી રહી હતી.
આ મોકડ્રીલમાં કલરટેક્ષના ડિરેક્ટરો મહેશભાઈ અને પ્રવિણભાઈ કબુતરવાલા, જિલ્લા ડિઝાસ્ટરના સભ્યો, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ, પોલિસ અધિકારીઓ, આર.ટી.ઓ, પોલીસ જવાનો, ટ્રાફિક પોલીસ, સિવિલ ડિફેન્સના જવાનો, ફાયર અને ઈમરજન્સી સેવાના સ્થાનિક તંત્રના અધિકારીઓ સહિત કંપનીના અધિકારી-કર્મચારીઓએ મોકડ્રીલને સફળ બનાવી હતી.
પલસાણાની સ્પેક્ટ્રમ ડાઈઝ & કેમિકલ લિ. ખાતે નાગરિક સુરક્ષા માટે યોજાઈ મોકડ્રીલ: હવાઈ હુમલો થતા ડાયઝ પ્લાન્ટના કર્મચારીઓ ઈજાગ્રસ્ત
સુરત જિલ્લાના પલસાણાની સ્પેક્ટ્રમ ડાયઝ & કેમિકલ કંપની ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત આયોજિત મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ ટીમ, ફાયર ફાઇટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રનું સંકલન જોવા મળ્યું હતું. પલસાણા ખાતે સ્પેક્ટ્રમ ડાઈઝ & કેમિકલ લિ.ના ડાઈઝ પ્લાન્ટ પર સાંજે ચાર વાગ્યે હવાઈ હુમલો થતા અફડાતફડી મચી ગઈ હતી. સાયરન વગાડી હુમલાનો સતર્કતા સંદેશ આપી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સિવિલ ડિફેન્સ અને રેસ્ક્યુ ટીમે ટીમ ઈજાગ્રસ્ત ૧૫ કર્મચારીઓને પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સર્કિટ હાઉસમાં હંગામી આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.
આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિ.વિકાસ અધિકારી શિવાની ગોયલ, કામરેજ પ્રાંત અધિકારી અને ઈન્ચાર્જ ઇન્સિડેન્ટ કમાન્ડર વી.કે. પીપળીયા, મામલતદાર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરતના અધિકારીઓ, ફાયર, આરોગ્ય, પોલીસ વિભાગ, સિવિલ ડિફેન્સ ટીમ, પલસાણા વિસ્તારની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ મોકડ્રીલમાં જોડાયા હતા.
ચોર્યાસી તાલુકાના કવાસ સ્થિત NTPC કવાસ પાવર પ્લાન્ટના ગેસ રિસીવિંગ સ્ટેશન પર હવાઈ હુમલો
ચોર્યાસી તાલુકાના કવાસ સ્થિત NTPCના પાવર પ્લાન્ટમાં આવેલા ગેસ રિસીવિંગ સ્ટેશન પર હવાઈ હુમલો થયો હતો. જેના કારણે આગ લાગતા ૫ કામદારોના મૃત્યુ અને ૧૫ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાને પગલે સાયરન વાગવાની સાથે જ કંટ્રોલ રૂમ સહિતના સંબંધિત વિભાગોએ તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. પ્રાંત અધિકારી, રેવન્યુ ટીમ, ફાયર, મેડિકલ તથા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નજીકની હોસ્પિટલને ઇમરજન્સી માટે સ્ટેન્ડબાય કરી ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હતા.
સાંસદ મુકેશભાઈ દલાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, મામલતદાર નીરવ પારિતોષ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓ ઘટનાસ્થળે હજીરા નોટિફાઈડ ફાયર, મ્યુચ્યુઅલ એડ ગ્રુપ, સુરત મનપા, સુરત સિવિલ સર્જન વગેરેને એક્ટિવ કરી ઘટનાસ્થળે તાત્કાલિક અગ્નિશમન અને રાહત બચાવની કામગીરી શરૂ કરતા ૫ કામદારોના મૃતદેહો મળી આવ્યા હતા. તેમજ ઘાયલોને સારવાર માટે NTPCની મેડિકલ હોસ્પિટલ અને ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સાંજે ૫.૧૫ કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો.
