ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા કાર્યસ્થળે ઈ-નિર્માણ કાર્ડ અને નેશનલ હેલ્થ કાર્ડ બનાવી અપાયા
રાજ્ય સરકાર મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકો માટે અનેકવિધ યોજનાઓ અમલી છે, જેનો લાભ જે. કુમાર ઈન્ફ્રાના સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કાર્યરત શ્રમિકો સુધી પહોંચાડવા માટે EMRI- ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા કેમ્પ યોજાયો હતો. જેમાં ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી શ્રમિકોને વિનામૂલ્યે આરોગ્ય તપાસ તેમજ વિના મૂલ્યે દવાઓ અપાઈ હતી. અન્ય પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ કેમ્પમાં જ પૂરી પાડવામાં આવી હતી.
સુરત મેટ્રો ફેઝ-૧ના પાલનપુર પાટિયા કાસ્ટીંગ યાર્ડ સાઈટમાં આયોજિત કેમ્પમાં આ સાઈટમાં કામ કરતા શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ અને નેશનલ હેલ્થ કાર્ડ સ્થળ પર જ બનાવી આપ્યા હતા, તેમજ સરકાર સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં રૂ.૫માં ભોજન સહિત વિવિધ સરકારી યોજનાઓ અને લાભોની સંપૂર્ણ માહિતી અપાઈ હતી.
કેમ્પમાં ડો.નિકિતા વાળા, ડો.રવિના પટેલ તેમજ લેબર કાઉન્સેલર ભાવિકાબેન, સંદીપભાઈ અને પેરામેડિકલ, લેબ ટેકનિશીયન, પાઈલટે સેવા આપી હતી.