તા.૦૬ જાન્યુ.ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ
સુરતના ૧૬ વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૩૪,૭૨૭ મતદારોનો વધારો
૧૮-૧૯ વયજૂથના ૧૭,૦૩૨ અને ૨૦ થી ૨૯ વયજૂથના ૧૩,૫૧૧ યુવા મતદારોની નોંધણી થઈ
સુરતની અદ્યતન મતદારયાદીમાં હવે ૨૫,૭૮,૪૬૩ પુરૂષ, ૨૨,૪૩,૨૯૧ સ્ત્રી અને ત્રીજી જાતિના ૧૭૮ મતદારો મળી કુલ ૪૮,૨૧,૯૩૨ મતદારો
ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના કારણે સુરતની આખરી મતદાર યાદીમાં તા.૦૧ જાન્યુઆરી-૨૦૨૫ રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા કુલ ૩૪,૭૨૭ મતદારોનો વધારો થયો છે. જેમાં ૧૮-૧૯ વયજૂથના ૧૭,૦૩૨ અને ૨૦ થી ૨૯ વયજૂથના ૧૩,૫૧૧ યુવા મતદારોની નવી નોંધણી પણ સામેલ છે.
મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત તા.૨૦ ઑગસ્ટથી ૧૮ નવેમ્બર-૨૦૨૪ દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ સરવે હાથ ધરી મતદારયાદી સુધારણા ઝુંબેશ યોજવામાં આવી હતી. તા.૨૯ ઑક્ટોબરથી તા.૨૮ નવેમ્બર-૨૦૨૪ સુધી મતદારયાદીમાં નામમાં સુધારો, કમી અને ઉમેરો કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ગત તા.૨૯ ઑક્ટોબર-૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી સુરતની મુસદ્દા મતદાર યાદીમાં ૪૭,૮૭,૨૦૫ મતદારો નોંધાયેલા હતા. તા.૬/૧/૨૦૨૫ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે અનુસાર ૨૫,૭૮,૪૬૩ પુરૂષ, ૨૨,૪૩,૨૯૧ સ્ત્રી અને ત્રીજી જાતિના ૧૭૮ મતદારો મળી કુલ ૪૮,૨૧,૯૩૨ મતદારો થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ ૧/૧/૨૦૨૫ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય એવા યુવાનો, તેમજ કોઈ કારણસર બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઈલ એપ Voter Helpline App અને વેબસાઈટ http://voters.eci.gov.in/ તેમજ www.voterportal.eci.gov.in ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધિત મતદાર નોંધણી અધિકારી, પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને અરજી કરી શકશે.
હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્ર (EPIC) ની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા EPIC તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી e-EPIC પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.