સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત
વજન ઘટાડવું હોય તો રાસ-ગરબા, નૃત્ય અસરકારક: સ્વસ્થ અને ફિટ રહેવા માંગો છો તો દરરોજ એક કલાક ગરબા અને નૃત્ય કરો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહ્વાન કર્યુ હતુ. વડાપ્રધાનશ્રીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરાયું છે, ત્યારે મેદસ્વિતાથી ઘણા પ્રકારની બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. પરંતુ તકેદારી રાખી અને જીવનશૈલી તેમજ આહારમાં પરિવર્તન લાવી મેદસ્વિતા ઘટાડી શકાય છે અને સ્વસ્થ નિરોગી જીવન જીવી શકાય છે.
ગુજરાત એટલે ગરબા. મેદસ્વિતા સામે લડવામાં ગરબા પણ મદદ કરી શકે છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં નવરાત્રી અને ગરબાનું ખૂબ જ મહત્વ છે, અને ગુજરાતીઓ માટે આ એક મોટો ઉત્સવ હોય છે. જો તમે રોજ રાસ-ગરબા તેમજ નૃત્ય કરીને મેદસ્વિતાથી પણ દૂર રહી શકો છો અને અઢળક કેલરી પણ બર્ન કરી શકો છો.
ગરબાનાં ફાયદાઓ તો અપાર છે. તે તમારા શરીરને એક લયમાં રાખે છે, જેથી મગજ અને શરીરનો તાલમેલ સુધરે છે, ફિટ રહેવા માટે દિનચર્યામાં ગરબા અને નૃત્ય ઉમેરી શકો છો. ફિટ રહેવા માટે નિયમિત એક કલાક ગરબા કરી શકાય છે. રાસ-ગરબા અને આપણને પ્રિય હોય એવા નૃત્ય પર થિરકીને શરીરમાંથી ચરબી ઘટાડી શકાય છે. આવી સ્થિતિમાં તમે સવાર અને સાંજે અડધો-અડધો કલાક ગરબા કરી શકો છો.
કસરત કરવાની તક ન મળતી હોય તો તમે ગરબા દ્વારા પણ પરસેવો પાડીને શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર કરી શકાય. સાથે કેલરી પણ બર્ન થતા શરીરની ચરબી ઓછી થાય છે. ગરબા દ્વારા શરીરનાં સાંધાઓ સ્વસ્થ રહે છે, બ્લડ સર્ક્યુલેશન સારૂ રહે છે, જેથી હ્રદય અને ધમનીઓ પર વધારાનું પ્રેશર પડતું નથી, સાથે દરેક અવયવો સુધી લોહી પહોંચે છે, જેથી દરેક અવયવો સરખું કામ કરી શકે છે.
વજન ઘટાડવા માટે નૃત્ય કઇ રીતે મદદરૂપ બની શકે?
ગરબા એક કસરતની જેમ કામ કરે છે. આનાથી માત્ર સ્વાસ્થ્યને જ ફાયદો નથી થતો, પરંતુ તે વ્યક્તિને ફિટ પણ રાખે છે. નૃત્યથી શરીરનું સંતુલન, લવચીકતા અને સ્નાયુઓની શક્તિ વધે છે. આનાથી શરીર ટોન થાય છે અને વધારાની ચરબી ઘટે છે. નૃત્યની હિલચાલ શરીરના આકારને સુધારે છે, જેનાથી તમે વધુ આકર્ષક અને ફિટ દેખાવો છો. ગુજરાતમાં નવરાત્રિની આબાલવૃદ્ધ સૌ આતુરતાથી રાહ જુએ છે. દેશનાં બીજા પણ રાજ્યો, શહેરો છે જ્યાં નવરાત્રિ દરમિયાન ગરબાનું ખૂબ જ મોટાપાયે આયોજન કરવામાં આવે છે.આમ, જો નિયમિત રીતે ગરબા રમવામાં આવે તો તેનાથી ફિટ તો રહી જ શકાય છે સાથે સાથે શરીરની વધારાની ચરબી પણ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં હવે દરરોજ એક કલાક સુધી નિયમિત રીતે ગરબા રમો અને મેદસ્વિતાને કહો બાય બાય…
