પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૨૭ : સુરત જિલ્લો’
રસોડાના કચરામાંથી જાતે બનાવો કુદરતી ખાતર
ઘરે કુદરતી ખાતર તૈયાર કરવું સરળ અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક
ટેરેસ ગાર્ડનીંગમાં કુદરતી ખાતરના ઉપયોગથી ઓર્ગેનિક શાકભાજી, ફળ-ફૂલ મેળવી શકાય છે
ગ્લોબલ વોર્મિંગના જમાનામાં પ્રાકૃતિક ખેતી એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સ્વીકાર્ય બની રહ્યો છે. જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણના સંતુલનની સાથે સાથે મનુષ્યના શરીરને તંદુરસ્ત રાખવામાં પણ પ્રાકૃતિક ખેતીએ મહત્વની ભૂમિકા છે, ત્યારે પર્યાવરણીય સંરક્ષણની જરૂરિયાતને પૂર્ણ કરવા આપણા ઘરનો રોજબરોજનો જૈવિક કચરો પણ મૂલ્યવાન સંસાધન બની શકે છે અને કૃષિમાં ઉપયોગમાં લઈ ભૂમિને ઝેરી તત્વોથી સંરક્ષિત કરી શકાય છે. આ કચરામાંથી આપણે આપણાં ઘરે સારી ગુણવત્તાનું કુદરતી ખાતર બનાવી શકીએ છીએ, જે ખૂબ ફાયદાકારક હોય છે.
કુદરતી ખાતર જમીનની ફળદ્રુપતા વધારે છે, કચરાનો યોગ્ય ઉપયોગ થવાથી સ્વચ્છતા જળવાઈ રહે છે. રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી કરતા કુદરતી ખાતરથી પર્યાવરણને નુકસાન થતું નથી, સાથે સાથે લોકોનાં સ્વાસ્થ્યને પણ કુદરતી ખાતર હાનિ પહોંચડતું નથી. તે છોડને વધુ તંદુરસ્ત અને લીલાં બનાવે છે.
ઘરે રસોડાના કચરામાંથી જાતે કુદરતી ખાતર બનાવવા માટે ઓર્ગેનિક (બાયોડિગ્રેડેબલ) કચરાની જરૂર પડે છે, જેમાં શાકભાજી અને ફળોની છાલ ચાના પાન, વાસી ખોરાક, સૂકા પાંદડા, ઘાસ, ફૂલો, કોફી, કાગળ વગેરેને તમે કુદરતી ખાતર બનાવવા માટે વાપરી શકાય છે. ધ્યાન રાખો કે તેમાં પ્લાસ્ટિક, કાચ, ધાતુ, દૂધના પેકેટ કે અન્ય કોઈ રાસાયણિક કચરા સાથે ન ભળી જાય સાથે સાથે ડેરી પેદાશો, તેલ અથવા અત્યંત તૈલી પદાર્થો વગેરે વસ્તુઓના ઉપયોગથી ખાતરમાં દુર્ગંધ આવી શકે છે.
કુદરતી ખાતર બનાવવા માટે સૌ પ્રથમ, કેળાની છાલ, વધેલાં શાકભાજી વગેરે જેવી નાઇટ્રોજનયુક્ત લીલી વસ્તુઓને અલગ રાખો, પછી કાર્બનયુક્ત સૂકા પદાર્થો જેવાં કે સૂકા પાંદડા, કાગળ, પૂંઠા વગેરેને અલગ કરો. તેમાં ભેજ અને ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. કન્ટેનરમાં કમ્પોસ્ટ બનાવતાં હોવ તો તેમાં ચારથી પાંચ નાના નાના છિદ્રો બનાવો, જેથી ઓક્સિજનનો પ્રવાહ રહે. હવે પાત્ર અથવા ખાડામાં નાઇટ્રોજનયુક્ત લીલા કચરાને નાખો અને તેનાં પર કાર્બનયુક્ત કચરો નાખો. આ પાત્ર અથવા ખાડામાં ભેજ અને ગરમી જાળવી રાખવા માટે, તેને ઉપરથી માટીથી ઢાંકી દો. રસોડાના કચરામાંથી ખાતર બનતાં ઓછામાં ઓછા ૩ અઠવાડિયાથી ૩ મહિનાનો સમય લાગી શકે છે. ૨ થી ૩ મહિના બાદ કચરો વિઘટિત થઈને માટીનું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે.
આ ખાતરને માટી સાથે ભેળવીને સીધો જ તેનો ઉપયોગ કરી શકાય છે. જે છોડને પોષક તત્વો પ્રદાન કરે છે અને તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ રીતે ઘરે કુદરતી ખાતર તૈયાર કરવું સરળ તો છે જ, સાથે સાથે તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. અને તમારા પાકને કુદરતી પોષણ પ્રદાન કરે છે. અગાસી પર થતા ટેરેસ ગાર્ડનીંગમાં પણ તેનો ઉપયોગ થઇ શકે છે. ઘરપરિવારની જરૂરિયાત પૂર્ણ કરવા અગાસી પર વાવવામાં આવતા ઓર્ગેનિક શાકભાજી, ફળ-ફૂલમાં આ ખાતર પોષક બની શકશે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનો માટે જૈવિક કચરામાંથી બનાવેલું ખાતર ખૂબ ઉપયોગી બની રહેશે.
