રાશનકાર્ડ ધારકો ‘માય રાશન’ મોબાઈલ એપથી સરળ રીતે ફેસ બેઝ્ડ ઈ-કેવાયસી જાતે કરી શકે છે
સાયલન્ટ કે બ્લોક થયેલા કાર્ડનું પણ ઈ-કેવાયસી સરળતાથી થઈ શકશે
ભારત સરકાર દ્વારા રાશનકાર્ડધારકો અને તેમાં નોંધાયેલા સભ્યોના આધારસીડિંગ સાથે ૧૦૦ ટકા ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવાની સૂચના મુજબ સુરત જિલ્લામાં આ કામગીરી પ્રગતિમાં છે. MY RATION MOBILE APPથી રાશનકાર્ડધારકો સરળ રીતે ઘરે બેઠા પણ જાતે જ ‘ફેસ ઓથેન્ટિકેશન’ આધારિત E-KYC કરી શકે છે. આ માટે કોઈ હેલ્પ સેન્ટર પર જવાની જરૂર રહેતી નથી.
જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી દર્શન શાહે E-KYCની પ્રક્રિયા વિષે જાણકારી આપતા કહ્યું કે, સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી my Ration app ડાઉનલોડ કરો. એ પછી પ્રોફાઈલમાં ક્લિક કરવાથી, ઓપન થતાં પેજમાં ‘તમારું રાશનકાર્ડ લિન્ક કરો’ વિકલ્પ પસંદ કરો. એ પછી રાશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાંખી, ‘તમારું રાશનકાર્ડ લિન્ક કરો’ વિકલ્પ પસંદ કરો. પછી સંમતિ આપી ‘આધાર ઓટીપી’ જનરેટ કરો. એ પછી ઓટીપી દાખલ કરતાં ‘RATION CARD Linked Successfully, You can update details now’ તેવો મેસેજ સ્ક્રીન પર દેખાશે. આમ એપ સાથે રાશનકાર્ડ લિન્ક થઈ થયા બાદ ફેસ બેઝ્ડ ઈ-કેવાયસી માટે એપને બંધ કરીને ફરી ઓપન કરવી જરૂરી છે. રાશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યોના આધારકાર્ડ રાશનકાર્ડમાં સીડ થયેલા હશે, માત્ર એવા જ સભ્યો એપ દ્વારા ઈ-કેવાયસી કરી શકશે.
‘માય રાશન’ એપના હોમ પર ઈ-કેવાયસી પસંદ કરવાથી સ્ક્રીન પર દેખાતા Download AadharFace App’ પર ક્લિક કરતા, આ એપ ડાઉનલોડ થશે. બાદ સૂચનાઓ ધ્યાનથી વાંચી, ચેકબોક્સ પસંદ કરીને ‘કાર્ડની વિગતો મેળવો’ પર ક્લિક કરવું. બાદ રેશનકાર્ડ ચકાસી, સ્ક્રીન પર દેખાતો કોડ દાખલ કરી, ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો (સ્ટેપ-૧)’ ક્લિક કરવું. એ પછી ‘આધાર ઈ-કેવાયસી’ માટે સભ્ય પસંદ કરો’ પર ક્લિક કરી, જે સભ્યનું ઈ-કેવાયસી કરવાનું હોય તેનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ ‘આ સભ્યમાં આધાર ઈ-કેવાયસી કરો (સ્ટેપ-૨) પર ક્લિક કરો. એ પછી સંમતિ આપી ચેકબોક્સ પર ક્લિક કરો. બાદ ‘ઓટીપી જનરેટ (સ્ટેપ-૩)’ પર ક્લિક કરો. મોબાઈલમાં આવેલો ઓટીપી દાખલ કરી, ‘ઓટીપી ચકાસો (સ્ટેપ-૪)’ પર ક્લિક કરવાથી, ચહેરો કેપ્ચર કરવા માટે કેમેરો ઓપન થશે. ફેસ ઓથેન્ટિકેશન વખતે સ્ક્રીન પર દેખાતો ચહેરો તમારો ચહેરો કેમેરા સામે સીધો રાખી આંખ પટપટાવો સહિતની સૂચનાઓ અનુસરો. ચહેરો સફળતાપૂર્વક કેપ્ચર થયા બાદ સ્ક્રીન પર આધારકાર્ડની વિગતો, જેમ કે જન્મતારીખ, જાતિ, નામ, સરનામું દેખાશે. એ પછી ‘મંજૂરી માટે વિગત મોકલો’ ક્લિક કરવાથી અરજી મંજૂરી માટેની વિનંતી સંબંધિત પૂરવઠા કચેરીએ પહોંચી જશે. ‘માય રાશન મોબાઈલ એપ’માં આ રીતે કોઈપણ રાશનકાર્ડધારક ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકે છે. આ પદ્ધતિથી સાયલન્ટ કે બ્લોક થયેલા રાશનકાર્ડનું પણ ઈ-કેવાયસી થઈ શકે છે. રાશનકાર્ડમાં નોંધાયેલા સભ્ય પૈકી કોઈપણ એક સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં સીડ થયેલા હોય, તો પણ તે રેશનકાર્ડના અન્ય સભ્યોના આધાર નંબર તેમાં લિન્ક કરી ઈ-કેવાયસી કરી શકાશે. આમ આધાર સીડિંગ માટે ઓછામાં ઓછા એક સભ્યનું આધાર રેશનકાર્ડ સાથે લિન્ક હોવું જરૂરી છે. જો રાશનકાર્ડ સાથે આધારકાર્ડ સીડ ના થયેલું હોય તો ઝોનલ કચેરી, તાલુકા મામલતદાર કે ગ્રામ પંચાયત કચેરી, પોસ્ટ ઓફિસનો રેશનકાર્ડ તથા આધારકાર્ડ સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
