અડાજણ ખાતે સુરત મહાનગર પાલિકાના દંડક ધર્મેશભાઇ વાણીયાવાલાના હસ્તે માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૩ ખુલ્લો મુકાયો
સૂરતીલાલાઓએ ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સ્થાપના કરવા અનુરોધ કરતા દંડકશ્રી
માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો તા.૧૩થી ૧૯ સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે
હાથ ગુંથણથી નાળીયેરના રેસામાંથી તૈયાર કરાયેલ ગણેશજીની અવનવી પ્રતિમાઓ ખરીદવાની સુવર્ણતકઃ
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા જોગાણી નગર પાર્ટી પ્લોટ, અડાજણ ખાતે માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૩ને સુરત મહાનગર પાલિકાના દંડક ધર્મેશભાઇ વાણીયાવાલાના હસ્તે ખુલ્લો મુકાયો. સુરત શહેર, નવસારી, અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના ૫૦ મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઈકોફેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાનો સુવર્ણ અવસર મળ્યો છે. આ માટી મૂર્તિ મેળો તા.૧૩થી ૧૯ સપ્ટેમ્બર સુધી સવારના ૦૯:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે.
કળા કૌશલ્યની અભિવ્યક્તિ કરી શહેરીજનોને આહ્વાન કરતા દંડકશ્રી ધર્મેશભાઈ વાણિયાવાલાએ કહ્યું હતું કે, જળ-જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવું જોઈએ. ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકાર થઈ રહી છે. સખી મંડળોને પ્રોત્સાહન મળી રહે તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી હતી. આ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખીમંડળની બહેનો આર્થિક સધ્ધરતાના માર્ગે જઈ રહી છે. હાથ ગુથણથી નાળીયેરના રેસામાંથી તૈયાર કરાયેલ ગણેશજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. મૂર્તિકારો દ્વારા માટીની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી એક અનોખું હસ્ત કલાનું પ્રદર્શન સહ વેચાણ મેળો સુરતના આંગણે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
સંસ્થાનના અધિકારી હર્ષદભાઈ ત્રિવેદી ઈકોફ્રેન્ડલી મૂર્તિની માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા રાસાયણિક પદાર્થો(કેમિકલ્સ) તેમજ મૂર્તિઓને કરાતા રાસાયણિક કલર્સમાં મરક્યૂરી, લીડ, કેડિયમ અને કાર્બન રહેલા હોય છે. જેથી પી.ઓ.પી.ની મૂર્તિઓનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવતાં તેનાથી આ જળસ્ત્રોતોના પાણીમાં ઝેર ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત જળજીવો અને પાણીમાં ઉગતી વનસ્પતિ માટે નુકશાનકારક બને છે જેથી શહેરીજનોએ ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી કરીને મહિલા મૂર્તિકારોને મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો.