સુરત જિલ્લાના મહુવા તાલુકાના અંબાબેન કોળઘાને પીએમ જનમન આવાસ યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકારિત થયું:
પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારને મળી પાકી છત
સરકારની પીએમ આવાસ યોજના થકી અમારૂ ઘર અને સપના પુરા થયાઃ
લાભાર્થી અંબાબેન કોળઘા
અંબાબેન કોળઘાને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પણ લાભ મળ્યો છેઃ
રોટી, કપડા અને મકાન માણસની પ્રાથમિક જરૂરિયાત છે. પોતાના સપનાનું ઘર બનાવવા માટે માણસ પોતાની જાતને ધસી નાખે છે ત્યારે જઈને પોતાના માટે એક ઘર બનાવે છે. પણ સરકાર જ જો આપણ સપનાને સાકાર કરવાનું બીડુ ઝડપે તો એ આખી વાત જ નિરાલી છે. સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના એક એવી જ નિરાળી યોજના છે. જેનાથી દેશના લાખો ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરીને સંપૂર્ણ સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપળા ગામના વતની એવા અંબાબેન કોળઘા ખેત મજુરી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૫૪ વર્ષિય અંબાબહેને કહ્યું કે, હું અને મારો પરિવાર વર્ષોથી માટીના જર્જરિત ઘરમાં રહેતા હતા. કેટલાય વર્ષો વિત્યા પણ પોતાનું પાકું ઘર બન્યુ ન હતું. ચોમાસાના વરસાદમાં ઘરવખરી પલળી જવાથી માંડીને આખી રાત પલળતાં બેસી રહેવું પડે તેવી સ્થિતિ હતી. ખેત મજૂરીમાંથી પાકું મકાન બનશે કે કેમ એ માત્ર કલ્પના જ હતી. ગામના બીંજા પાકા મકાન જોઈને મારે કયારે પાકું આવાસ બનશે તેવા વર્ષોથી સ્વપ્ન જોયા હતા. પણ સરકારની પીએમ આવાસ યોજના થકી અમારૂ ઘર અને સપના પાકા થઈ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું.
અંબાબેન કહે છે કે, ખેત મજૂરી કામ કરીને ઘર પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. સાથે પશુપાલન પણ કરીએ છીએ. વહીવટી તંત્રના માર્ગદર્શનથી આવાસ યોજનાનું ફોર્મ ભર્યું હતું. આવાસ બનાવવા માટે સહાય મળવાની એક આશા બંધાણી. સરકારીની પ્રધાનમંત્રી જમનમ આવાસ યોજનાએ અમારી ઘરે ખુશીના દ્વાર ખોલ્યા છે. ત્રણ હપ્તામાં રૂપિયા બે લાખ સહાય મળવાથી આજે પોતાનું ઘર બનાવીને તેમાં રહેવાની ખુશી કંઇક ઓર છે. જેમાં પ્રથમ હપ્તો રૂપિયા ૫૦ હજાર, બીજો હપ્તો રૂપિયા ૧.૨૦ લાખ અને ત્રીજો હપ્તો ૩૦ હજાર એમ કુલ ૨ લાખ તથા મનરેગા યોજનામાંથી ૯૦ દિવસની રોજગારી રૂપે લાભાર્થીને ૨૫,૨૦૦ જેટલી રોજગારી પણ મળે છે.
અંબાબેન વધુમાં ઉમેર્યું હતું કે, ‘સરકારે અમારા જેવા ગરીબોના પાકા મકાન બનાવવામાં મદદરૂપ તો બન્યા છે પણ સાથે સાથે અમારા પરિવારની આરોગ્યની ચિંતા કરીને આયુષ્માન કાર્ડ પણ આપ્યું છે એટલે ઓચિંતી આવી પડતી બિમારીની આફત સામે પણ લડી શકીશું.
આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તો મારા માટે સાચે જ આશીર્વાદરૂપ બની છે કેમ કે રોજ સવારે મારા માથે લાકડાનો ભાર લઈને આવતી હતી એટલું જ નહીં પણ ચુલાના ધુમાડાથી આંખોમાં પણ બળતરા થતી હતી. યોજના હેઠળ ગેસ મળવાથી કાયમી ધુમાડામાંથી મુકિત આપી છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ ખુશીનું કારણ છેવાડાના વિસ્તારમાં વસતા આદિમ જૂથના પરિવારને દરેક કલ્યાણકારી યોજનાના લાભ મળે તે દિશામાં સરકાર કાર્યરત છે. જેના થકી આજે સુરત જિલ્લાના આદિમજુથના પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા પોતાના જીવનમાં અમુલ પરિવર્તન આવ્યું છે.