વરાછા પોલીસે ગુમ થયેલી શ્રમિક પરિવારની બાળકીને શોધી પરિવારને સહીસલામત સોંપી
વરાછા, પુણા, કાપોદ્રા, લસકાણા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમોએ ૩૦૦થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા
મળસ્કે ચાર વાગ્યે મહિલા રિક્ષાચાલકે ગુમ થયેલી બાળકીને જોતા પોલીસને જાણ કરી: મહિલા રિક્ષાચાલકનું સુરત પોલીસે સન્માન કર્યું
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની બાળકી ઘરના આગંણે રમતા-રમતા ગુમ થઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરી છતા ભાળ ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી. આખરે એક જાગૃત્ત મહિલા રિક્ષાચાલકની મદદથી ૫ વર્ષીય બાળકી સહીસલામત મળી આવતા પરિવારને સોંપવામાં આવી હતી.
ગુમ થયેલા બાળકોના કિસ્સાઓમાં પોલીસ ચોકસાઈ અને વ્યૂહાત્મક રીતે કામ કરે છે. પોલીસે ગુમ બાળકોને શોધવા સોર્સ, ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન, પરસ્પર સંકલન અને હ્યુમન નેટવર્ક તેમજ સી.સી.ટીવી કેમેરાનો ઉપયોગ કરે છે. વરાછા, પુણા, કાપોદ્રા, લસકાણા પોલીસ સ્ટેશન સહિત ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમોએ આ બાળકીને શોધવા ૩૦૦થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા.
મૂળ મધ્યપ્રદેશના વતની અને વરાછા વિસ્તારના બુટભવાની રોડ સ્થિત એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની દીકરી ઘર પાસે રમી રહી હતી. એ અરસામાં સાંજે છ વાગ્યે અચાનક ગુમ થઈ હતી. ભારે શોધખોળ છતા ભાળ ન મળતા રાત્રે નવ વાગ્યે વરાછા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
મળસ્કે એક જાગૃત્ત મહિલા રિક્ષાચાલકે બરોડા પ્રિસ્ટેજ પાસે મુસાફરોને ઉતારવા રિક્ષા ઊભી કરી હતી. એ સમયે દૂર ઝાડ પાસે એકલી ઉભેલી બાળકીને જોતા તેણે બાળકીની પૂછપરછ કરી હતી અને પરિવારથી ગુમ થઈ હોવાનું જણાતા તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને બાળકીને વરાછા પોલીસને સોંપી હતી.
નાયબ પો.કમિશનર(સેક્ટર-૧)ના વબાંગ ઝમીર અને નાયબ પો.કમિશનર ભગીરથ ગઢવી અને એસીપી પી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ વરાછા પો.સ્ટે., પુણા પો.સ્ટે., કાપોદ્રા પો.સ્ટે., લસકાણા પો.સ્ટે. સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ બાળકીને શોધવા જહેમત ઉઠાવી હતી. સાંજે ગુમ થયેલી બાળકીને સવાર પડે તે પહેલા હેમખેમ શોધી કાઢી પરિવારને સોંપી હતી. શ્રમિક પરિવારે પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ જાગૃત્ત મહિલા રિક્ષાચાલકની સમયસૂચકતા બદલ પો.કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌતે તેને સન્માનિત કર્યા હતા.
