જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણ તક
ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો/સંસ્થાઓએ નિયત નમુનાનુ ફોર્મ, આધારકાર્ડની નકલની સાથે તા.૧૦ ઓકટોબર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ
૧૨થી ૧૬ સભ્યો અને ૪ સંગીતકાર સાથે પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસ એમ 3 કેટેગરીમાં યોજાશે સ્પર્ધા
પ્રાચીન અને અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષની વયના બહેનો તથા રાસમાં ૧૪થી ૪૦ વર્ષની વયના બહેનો/ભાઈઓ/મિશ્ર ટુકડીઓમાં ભાગ લઈ શકાશે
સુરત: રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત શહેર/ગ્રામ્ય દ્વારા સંચાલિત સુરત શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ફોર્મ ભરવાની અંતિમ તા.૧૦/૦૯/૨૦૨૪ છે. આ સ્પર્ધામાં પ્રાચીન તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ૧૪થી ૪૦ વર્ષ સુધીના એકલા ભાઇઓ, એકલી બહેનો કે ભાઇઓ/બહેનોની મિશ્ર ટુકડી ભાગ લઇ શકશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે.
રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે સાથે સંગીતકાર ૦૪ (ચાર) રાખી શકશે. ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો/સંસ્થાએ નિયત નમુનાનુ ફોર્મ, આધારકાર્ડની નકલની સાથે રાખી તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં બપોરે ૪:00 વાગ્યા સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂના સિવીલ કોર્ટ બિલ્ડીંગ, પ્રથમ માળ, નાનપુરા, સુરત. ખાતે જમા કરવાના રહેશે. તે પછી આવનાર ફોર્મ કે અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી,સુરતની યાદીમાં જણાવાયું છે.
