બારડોલી સંસદીય મતવિસ્તારમાં ESIC હોસ્પિટલ શરૂ કરવાની કેન્દ્ર સરકારને રજૂઆત કરતા સાંસદ પ્રભુભાઈ વસાવા
ESIC હોસ્પિટલના નિર્માણથી સ્થાનિક લોકો, કામદારો અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય તબીબી સુવિધા સરળતાથી ઉપલબ્ધ થશે: સાંસદ પ્રભુભાઈ વસાવા
સુરત:ગુરૂવાર: ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં ESIC હોસ્પિટલ શરૂ કરવા બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી છે. સાંસદશ્રીએ પત્ર મારફતે મંત્રીશ્રીને અનુરોધ કરતા કહ્યું છે કે, ૨૩-બારડોલી મતવિસ્તારમાં મર્યાદિત તબીબી સુવિધાઓના કારણે સ્થાનિક નાગરિકોને સારવાર મેળવવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. ખાસ કરીને કામદાર વર્ગ, જેઓ ESIC (કર્મચારીઓની રાજ્ય વીમા નિગમ) યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેમને તબીબી સુવિધાઓ માટે લાંબા અંતર સુધી જવું પડે છે. આ વિસ્તારમાં એક પણ ESIC હોસ્પિટલ ન હોવાથી અહીં ૨૦૦ થી ૩૦૦ બેડની ESIC હોસ્પિટલ બનાવવાની ખૂબ જ જરૂર છે. જેથી આ વિસ્તારમાં ESIC હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે તો સ્થાનિક લોકો, કામદારો અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય તબીબી સુવિધા સરળતાથી ઉપલબ્ધ થશે એમ પત્રમાં સાંસદશ્રીએ શ્રમમંત્રીને અનુરોધ કર્યો છે.