રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ-નવી દિલ્હીના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષસ્થાને સુરત કલેક્ટર કચેરી ખાતે સફાઈ કર્મચારીઓ, યુનિયનોના પ્રમુખો તથા અધિકારીઓ સાથે બેઠક મળી.
આઉટસોર્સના સફાઈ કામદારોને લાઈફ ઈન્સ્યોરન્સ આપવા અધિકારીઓને આદેશ
આઉટસોર્સ સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી તેમાં PF, ESIC, લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લખવાની તાકીદ કરતા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન
જિલ્લા-શહેરના સફાઈ કામદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા
સફાઈ કર્મચારીઓને મળતા લાભ-હક્કો સમયસર મળે તે માટે આયોગ સક્રિયપણે કાર્યરત: એમ.વેંકટેશન
ભારત સરકારના રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ-નવી દિલ્હીના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષસ્થાને શહેર-જિલ્લાના વિવિધ સફાઈ કામદાર કામદારો, યુનિયનોના પ્રમુખો, પ્રતિનિધિઓ, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના અધિકારીઓ સાથે આઉટસોર્સ તથા કાયમી સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટર કચેરીના સભાખંડમાં મળેલી બેઠકમાં ચેરમેને જિલ્લાની નગરપાલિકાઓમાં કામ કરતા આઉટસોર્સના સફાઈ કામદારોને પ્રત્યક્ષ મળીને નિયમિત પગાર, સેલરી સ્લીપ, પી.એફ.ની વિગતો, આઈ.ડી. કાર્ડ, બુટ, ગણવેશ, નિયમિત હેલ્થ ચેકઅપ થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી. આ સફાઈ કર્મચારીઓના ઈ.એસ.આઈ. કરાવવા સુચના આપી હતી. કામદારોને અઠવાડીક રજા મળે છે કે નહી તેમજ પ્રજાસત્તાક પર્વ તથા સ્વાતંત્ર્ય પર્વના દિવસે જો સફાઈ કર્મચારીઓ કામ કરે તો નિયમ મુજબ ડબલ પગાર મળવાપાત્ર થાય છે જે આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે કર્મચારીઓના લાઈફ ઇન્સ્યોરન્સ કઢાવવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે ચેરમેને જણાવ્યું હતું કે, આ કર્મયોગીઓનું સન્માન કરવું એ સૌની નૈતિક જવાબદારી છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સફાઈ કર્મચારીઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે કાર્યરત છે. કમર્ચારીઓને મળતા અબાધિત અધિકારો-હક્કો તેમને પ્રાપ્ત થાય તે માટે આયોગ સક્રિયતાથી કાર્ય કરે છે. તેમણે આઉટસોર્સના સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી તેમાં પી.એફ, ઈ.એસ.આઈ.સી., લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લખવાની તાકીદ કરી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના નિયમિત હેલ્થ ચેકઅપ અને આઉટસોર્સના કર્મચારીઓના લાઈફ ઈન્સ્યોરન્સને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જણાવ્યું હતું.
ચેરમેને સફાઈ કર્મચારીઓને કોઈ પણ સમસ્યા કે અગવડ હોય તો તેઓએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના લેન્ડલાઈન નં.૦૧૧-૨૪૬૪૮૯૨૪ પર ફરિયાદ અથવા આયોગની એન.સી.એસ.કે. વેબસાઈટ પર પણ ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું.
બેઠકમાં સફાઈ કર્મચારીઓના યુનિયનોના પ્રમુખો, પ્રતિનિધિઓ દ્વારા સફાઈ કર્મચારીઓનું આરોગ્ય જોખમાય ત્યારે વારસદારોને રહેમરાહે નોકરી આપવા, નિયમિત ભરતી કરવા થાય, જોઈન્ટ મેનેજમેન્ટ કમિટી બનાવવા, પાર્ટ ટાઈમ સફાઈ કામગીરી બંધ કરવા, આવાસીય સગવડ જેવા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી.
બેઠકમાં સુરત જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામક મિત્તલબેન, મનપાના ડે.કમિશનર કમલેશ નાયક, સફાઈ કર્મચારીઓ, વિવિધ સફાઈ કર્મચારી યુનિયનો પ્રમુખો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.