બારડોલી તાલુકાના ઇસરોલી ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની કરવામાં આવી રહેલી તડામાર તૈયારીઓ
જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રિહર્સલની તૈયારીઓ કરી અપાયો આખરી ઓપ
આગામી તા. ૧૫મી, ઓગષ્ટના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી બારડોલી તાલુકાના ઇસરોલી ખાતે આવેલ આર.એન.જી પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ખાતે રાજયના રાજયના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુપેરે પાર પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા મથકે ન કરતા વારાફરતી તાલુકા મથકોએ ઉજવવાનો અભિગમ રાજય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે. જે શ્રૃંખલામાં સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બારડોલી તાલુકામાં કરવાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું આયોજન સુચારૂ રૂપે થાય તથા સમયમર્યાદામાં તમામ તૈયારી પૂર્ણ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
કાર્યક્રમને અનુલક્ષીને રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે ધ્વજદંડ, સ્ટેજ, સભામંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સમયમર્યાદામાં આટોપી લેવા માટે તંત્રએ કમર કસી છે. જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી જાય એ માટે ખડપગે કામગીરી કરવામાં આવી રહી છે.
આગામી તા. ૧૫મી, ઓગષ્ટને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી. શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિયલ ટાઇમ રિહર્સલ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ સ્વાતંત્ર્ય પર્વના દિવસે તમામ કાર્યક્રમો સરળતાથી સમયસર સંપન્ન થાય તે માટે રિહર્સલ કર્યું હતું.
તેમણે રિહર્સલ દરમિયાન જરૂરી સુચનો પણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને આપ્યા હતા. તેમણે જિલ્લાના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમની તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી જાય એ માટે તમામ અધિકારીઓને તાકીદ કરી હતી.
આ રિહર્સલ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, અધિક નિવાસી કલેકટર વિજય રબારી, બારડોલી પ્રાંત સુશ્રી. જિજ્ઞાબેન પરમાર, નાયબ કલેકટર પ્રોટોકોલ સુશ્રી. જૂઇ પાંડે, કાર્યપાલક ઇજનેર મનિષભાઇ પટેલ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, કોલેજના અધિકારી/કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
