તા.૯મી ઓગષ્ટ ‘ વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ભવ્ય ઉજવણી કરાશે
સુરતના માંડવી,ઉમરપાડા અને મહુવા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે
નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉમરપાડા ખાતે અને આદિજાતિ વિકાસ મંત્રી માંડવી ખાતે આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થશે
વિશ્વમાં વસતા આદિવાસી ભાઈ બહેનોના સન્માન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો)એ તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ ઘોષિત કર્યો છે, જેના ભાગરૂપે દેશભરમાં સમગ્ર સુરત જિલ્લામાં પણ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી ધૂમધામથી કરવામાં આવશે. સુરતના માંડવી,ઉમરપાડા અને મહુવા ખાતે તા.૯મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની સાથોસાથ વિવિધ યોજનામાં લાભાર્થીઓને યોજનાકીય સહાય વિતરણ કરાશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવત પ્રસારણ થશે.
સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં મેઈન બજાર ખાતે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય ગણપતભાઇ વસાવા, માંડવી તાપી રીવરફ્રન્ટ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને મહુવા તાલુકાના વડવાડા ગામે તુલશી કોમ્પલેક્ષ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તથા ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડીયાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત ઉપસ્થિત રહેશે. આ અવસરે મહાનુભાવોના હસ્તે અનેકવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. આ ઉજવણીમાં સર્વે લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લેવાનો માંડવીના પ્રાયોજના વહીવટદાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.