પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો
પ્રાકૃતિક ખેતીમાં જીવાતોના નિવારણ માટે અસરકારક છે નીમાસ્ત્ર
પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનને વધુ સાર્થક બનાવવા પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ પ્રણાલી મજબૂત બનવાની સાથે ખેડૂતોને આર્થિક લાભ આપવા માટેના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનો કરેલી હાકલને ધ્યાનમાં રાખીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજ્યના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે ગુજરાતની પ્રાકૃતિક ખેતીમાં આવનારા સમયમાં વિવિધ ઘટકોયુક્ત ‘લીમડો’ ખૂબ જ મહત્વનું પરિબળ બની રહેશે.
પ્રાકૃતિક ખેતીમાં, પાકને કુદરતી સંસાધનોની મદદથી સુરક્ષિત અને પોષિત કરી શકાય છે. આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાકરક્ષક દવાઓ તથા ખાતરો આપનાર કડવો લીમડો પર્યાવરણનાં ઉત્તમ રક્ષક તરીકે ખૂબ જ ઉપયોગી છે.
લીમડાના તેલમાં એઝાડીરેક્ટીન, નીમ્બીનન, નીમ્બીડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવાં ૧૦૦ થી પણ વધુ સક્રિય ઘટકો આવેલા છે. જેમાં મોલોમસી, સફેદ માખી, થ્રીપ્સ, મીલીબગ સહિત વિવિધ ઈયળો જેવી ૨૦૦ કરતાં વધારે નુકશાનકારક જીવાતો સામે રક્ષણ કરે છે. લીમડાના ઝાડની છાલ, બીજ, બીજની છાલ અને પાંદડામાં ઘણા સંયોજનોથી ભરપુર હોય છે.
જીવાતોના નિવારણ માટે અસરકારક છે નીમાસ્ત્ર
જૈવિક ખેતીમાં જીવાતોના નિવારણ માટે લીમડામાંથી બનાવેલ જંતુનાશકોને નીમાસ્ત્ર કહેવામાં આવે છે. જે ચૂસનાર જંતુઓ, નાની ઈયળોને નિયંત્રિત કરે છે. લીમડાના છંટકાવથી આવતી દુર્ગંધને કારણે જંગલી પ્રાણીઓ પાક ખાતા નથી. લીમડાને તૈયાર કર્યા પછી તેમાં 15 ગણું પાણી ભેળવીને છંટકાવ કરવો. જેને છંટકાવ કરતા પહેલા કપડાથી ગાળી લેવાનું હોય છે.
લીંબોળી ખોળ (નીમ કેક)- કાર્બનિક ખાતરનો ખેતરમાં ઉપયોગ
લીમડાના ખોળનો ઉપયોગ ગોબર અને સેન્દ્રિય ખાતર સાથે કરવો ખૂબ જ સરળ છે. છોડના વિકાસમાં અગત્યનો ભાગ ભજવતાં લગભગ બધા જ આવશ્યક પોષક તત્વો હોય છે. તે બાયો-ડિગ્રેડેબલ છે અને વિવિધ પ્રકારના ખાતરો સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં છોડના વિકાસ માટે જૈવિક સ્વરૂપમાં નાઈટ્રોજન ૨-૫ ટકા, ફોસ્ફરસ ૦.૫ થી ૧ ટકા, પોટેશિયમ -૨ ટકા, કેલ્શિયમ ૦.૫ થી ૩ ટકા, મેગ્નેશિયમ 0.3થી ૧ ટકા, સલ્ફર ૦.૨ થી ૩ ટકા, ઝિંક ૧૧૫ થી ૬૦ પીપીએમ, કોપર ૪-૨૦ પીપીએમ, આયર્ન ૫૦૦ થી ૧૨૦૦ પીપીએમ, મેંગેનીઝ ૨૦-૬૦ પીપીએમનું પ્રમાણ પાકને પોષક બનાવવામાં મદદરૂપ થાય છે.
ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા ધરાવે છે લીમડો
એઝાડિરેક્ટીન જંતુઓને નિયંત્રિત કરવા માટે લીમડાના મુખ્ય એજન્ટ તરીકે ગણવામાં આવે છે. તે મોટા ભાગના જંતુઓ પર 90 ટકા અસરનું કારણ બને છે. એઝાડિરેકટીન અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વૃદ્ધિ નિયમનકાર અને ખોરાક નિવારક બન્યું છે. તે કેટલાક જંતુઓને છોડને સ્પર્શતા પણ અટકાવે છે. ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા લીમડો ધરાવે છે.
લીમડોમાં જમીન સુધારકના ઘટકો
સંપૂર્ણપણે કુદરતી હોવાને કારણે તે જમીનના સૂક્ષ્મ જીવાણુઓ અને રાઈઝોસ્ફિયર માઈક્રોફ્લોરા સાથે સુસંગત છે અને તેથી જમીનની ફળદ્રુપતા સુનિશ્વિત કરે છે. લીમડાની કેક જમીનમાં કાર્બનિક દ્રવ્યોની સામગ્રીને સુધારે છે. જે જમીનની રચના, જમીનની પાણીને પકડી રાખવાની ક્ષમતામાં વધારો કરવાની સાથે મૂળના વધુ સારા વિકાસ માટે જમીનની વાયુમિશ્રણને સુધારવામાં મદદ કરવાથી જમીનની ફળદ્રુપતા પણ સુધારે છે. જમીનની સુધારણા સાથે અળસિયા જેવા ફાયદાકારક જીવોમાં પણ વધારો કરે છે તેમજ લીમડાની કેકનો ઉપયોગ જમીનમાં આલ્કલાઈન સામગ્રીને ઘટાડે છે.
નેમેટોડ્સ અને સફેદ મુંડ(ઘૈણ)નું અસરકારક નિયંત્રણ કરે છે:
જમીનમાં રહેતી હાનિકારક જીવાતો જેમ કે મૂળિયા ખાતી ઈયળો, ઉધઈ સારી રીતે તેનું નિયંત્રણ થાય છે. જમીનમાં યુરિયા, ડીએપી અને પોટાશ જેવા ખાતરોના ઉપયોગથી નેમેટોડ્સને નિયંત્રિત કરતી ફુગ તેમજ ફુગ બીજકણનાં અંકુરણ પર પ્રતિકૂળ અસર થાય છે અને તેની જાળવી રચનાને સંપૂર્ણપણે અવરોધે છે. લીમડાના ખોળનો ઉપયોગ કર્યા પછી પાકમાં તેના ફાયદા 3થી 6 અઠવાડિયામાં જોવા મળે છે. લીમડાના ખોળને જમીનમાં ધીરે ધીરે કામ કરવાને કારણે 6 મહિના સુધી તેનું પરિણામ જોવા મળે છે.
ઓર્ગેનિક ખેતીમાં, પાકને કુદરતી સંસાધનોની મદદથી સુરક્ષિત અને પોષિત કરી શકાય છે. વનસ્પતિના સંસાધનોમાં લીમડાના છોડથી મળનાર પદાર્થોનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં મોટા પ્રમાણમાં થાય છે.