ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે
‘સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ: પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા વન વિભાગ દ્વારા અનુરોધ
નવીન યોજના હેઠળ ચાલુ વર્ષના લક્ષ્યાંક:
‘હરીત વન પથ’ હેઠળ રાજ્યમાં ૭૦ હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરાશે
‘પંચરત્ન ગ્રામ વાટીકા’માં ૧,૦૦૦ ગામડાંઓમાં પ્રતિ ગામ ૫૦ રોપા ટ્રી ગાર્ડ સાથે રોપાશે
‘પંચરત્ન વાવેતર’માં ૬૫ ‘અમૃત સરોવર’ની ફરતે ટ્રી ગાર્ડ સાથે સરોવર દીઠ ૨૦૦ રોપા વાવવામાં આવશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન ‘એક પેડ માં કે નામ’ જનજન સુધી પહોંચ્યું છે ત્યારે વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ‘સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ ચાર નવીન યોજનાઓમાં (૧) હરીત વન પથ વાવેતર (૨) પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર (૩) અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને (૪) નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે.
વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ
ચાલુ વર્ષે રાજ્ય સરકારે આ નવીન યોજનાના સફળ અમલીકરણ માટે વિવિધ લક્ષ્યાંક નક્કી કર્યા છે. જેમાં હરીત વન પથ વાવેતર મોડલ હેઠળ રાજ્યમાં ૭૦ હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે રોપાનું વાવેતર કરવાનું આયોજન છે. ઉપરાંત પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર મોડલ હેઠળ રાજ્યમાં ૧,૦૦૦ ગામડાંઓમાં ગામ દીઠ ૫૦ રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર તેમજ ચાલુ વર્ષે અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર મોડલ હેઠળ રાજ્યના ૬૫ અમૃત સરોવર ફરતે અમૃત સરોવર દીઠ ૨૦૦ રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવામાં આવશે. ‘સામાજિક વનીકરણ’ના આ નવીન અભિયાનમાં પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
‘સામાજિક વનીકરણ’ની નવીન યોજનાઓની સમજ*
૧.હરીત વન પથ વાવેતર :-
માર્ગની બાજુમાં પટ્ટી વાવેતર માટે રાજ્ય સરકારે નવું હરીત વન પથ વાવેતર મોડલ અમલી બનાવ્યું છે. આ મોડલ હેઠળ ૫ X ૫ મીટરના અંતરે, ૬ થી ૮ ફૂટ ઉંચાઇના મોટા રોપા ૪૫ X ૪૫ X ૪૫ સે.મી. માપના ખાડામાં,
૬ + ૧.૫ ફૂટ માપના ટ્રી ગાર્ડ સાથે આ સ્થળે એક જ લાઈનમાં વાવેતર કરવાનું રહેશે. આ મોડલ હેઠળ રોપવાના થતા લોન્ગ લાસ્ટીંગ, મલ્ટી પર્પઝ ઈન્ડીજિનસ ટ્રી(LLMPIT) જેનું વાવેતર કરવાનું થાય છે. આ મોડલમાં સ્થળ-પરિસ્થિતિ પ્રમાણે રોડની બંન્ને બાજુએ ૨૦૦ રોપા દર કિલોમીટર પ્રમાણે, પાંચ કિ.મી.ના વાવેતર ૧.૦ હેકટર વિસ્તાર તરીકે ગણવામાં આવશે. આ વાવેતર અગત્યતાના ધોરણે પ્રથમ રોડ સાઈડ ‘પ્રોટેક્ટેડ ફોરેસ્ટ’ તરીકે જાહેર થયેલ વિસ્તાર પસંદ કરવાનો રહેશે અને બીજા ધોરણે ક્રમશ: નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, MDR, ODR વગેરે લેવાના રહેશે. રોડની બન્ને બાજુમાં એક કિ.મી. લંબાઈમાં એક જ પ્રજાતિનું વાવેતર કરવામાં આવે તે હિતાવહ રહેશે.
આ વાવેતર કરતા પહેલા માર્ગ અને મકાન વિભાગના સક્ષમ સત્તાધિશ પાસેથી ભવિષ્યમાં જે-તે રોડ પહોળા થનાર નથી કે પહોળો થાય તો આ વૃક્ષોનું કપાણ ન થાય તે બાબતની ખાતરી કરીને આ યોજના હેઠળ વૃક્ષ વાવવાના રહેશે.
૨.પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર :-
રાજ્યના ગામોમાં વન સંપદાના સંરક્ષણ અને વિકાસ માટે પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતરનું નવીન મોડલ અમલમાં મુક્યું છે. આ મોડલ હેઠળ ૬ થી ૮ ફૂટ ઉંચાઈના મોટા રોપા ૪૫ X ૪૫ X ૪૫ સે.મી. માપના ખાડામાં, ૬ + ૧.૫ ફૂટ માપના ટ્રી ગાર્ડ સાથે આ સ્થળે ગામ દીઠ ૫૦ રોપાઓનું વાવેતર કરવાનું થાય છે. આ મોડલ હેઠળ રોપવાના થતા લોન્ગ લાસ્ટીંગ, મલ્ટી પર્પઝ ઈન્ડીજિનસ ટ્રી (LLMPIT) જેનું વાવેતર કરવાનું થાય છે, આ મોડલ હેઠળ જે ગામોમાં મોટા ઝાડ જેવા કે વડ, પીપળ, દેશી આંબો, ખાટી આંબલી, બીલી વગેરે ઓછા હોય હોય તે ગામોમાં ઉચિત જગ્યા જેવી કે, ધાર્મિક સ્થળ/ પંચાયત/ ગામનો ચોરો જ્યાં લોકો બેસીને લાભ લઈ શકે તેવી જગ્યાએ ગામ લોકોના સહકારથી વાવેતરની કામગીરી કરવાની રહેશે.
૩.અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર :-
રાજ્યના જે ગામોમાં અમૃત સરોવર તૈયાર કરવામાં આવ્યું છે, તેના ફરતે વાવેતર કરવા માટે અમૃત સરોવર પંચરત્ન વાવેતરનું નવું મોડલ રાજ્ય સરકારે અમલી બનાવ્યું છે આ મોડલ હેઠળ ૫ X ૫ મીટરના અંતરે ૬ થી ૮ ફૂટ ઉંચાઇના મોટા રોપા ૪૫ X ૪૫ X ૪૫ સે.મી. માપના ખાડામાં, ૬ + ૧.૫ ફૂટ માપના ટ્રી ગાર્ડ સાથે ઉપયુક્ત આ સ્થળે વાવેતર કરવાના રહેશે. આ મોડલ હેઠળ રોપવાના થતા લોન્ગ લાસ્ટીંગ, મલ્ટી પર્પઝ ઈન્ડીજિનસ ટ્રી (LLMPIT) જેનું વાવેતર કરવાનું થાય છે. અમૃત સરોવર તરીકે નામાંકીત થયેલ તળાવોના ફરતે જરૂરીયાત મુજબ વધૂમાં વધૂ ૨૦૦ રોપાનું વાવેતર નાગરિકો, ગ્રામ પંચાયત, સિંચાઈ વગેરે વિભાગોના સહકારથી કરવાનું રહેશે.
૪.નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનું મોડલ:-
રાજ્ય સરકારે હરીત વન પથ, પંચરત્ન ગ્રામ વાટીકા અને અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર માટેના આ વર્ષે નવા મોડલ અમલી બનાવ્યા છે. આ મોડલ હેઠળ ૬ થી ૮ ફૂટના ટોલ સિડ્લીંગનું વાવેતર કરવાનુ નક્કી કરાયું છે. ટોલ સીડલીંગ નર્સરીમાં છોડ ઓછામાં ઓછા બે વર્ષ સુધી રાખીને વાવેતર માટે તૈયાર કરવાના થાય છે. દરેક વિભાગમાં ઓછામાં ઓછા એક સેન્ટ્રલ નર્સરીમાં ૧૦,૦૦૦ સ્થાનિક રોપા, ૩૦ X ૪૦ સે.મી. માપની પોલીથીન બેગમાં ઉચ્ચ ગુણવતા ધરાવતી સીપીટીના બીજમાંથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તૈયાર કરવાના રહેશે.
આ રોપાઓ પોલીથીન બેગમાં બે વર્ષથી વધારે સમય માટે જાળવવાના થાય છે, જેથી તેમાં સારા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ જરૂરી છે, જેમાં બે ભાગ માટી અને એક ભાગ છાણીયુ ખાતર-વર્મી કમ્પોસ્ટ વગેરેથી ઓછું ન હોય તે ખાસ જોવાનુ રહેશે. આ રોપાની વધ અને થડની ઝાડાઈ ધ્યાને રાખીને જાળવણી કરવાની રહેશે તૈયાર કરાયેલા રોપાઓને ત્રીજા વર્ષે આ મોડલ હેઠળના વાવેતરમાં ઉપયોગ કરવાનો રહેશે તેમ,વન વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે.