સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-SVNIT અને સૂચિ સેમિકોન પ્રા.લિ. વચ્ચે સેમિકન્ડકટર ક્ષેત્રમાં સહયોગ માટે એમ.ઓ.યુ.
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) અને સૂચિ સેમિકોન પ્રા.લિ. વચ્ચે સેમિકન્ડકટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ અને સંયુક્ત સંશોધન માટે એમ.ઓ.યુ. કરાયા છે. જેમાં SVNITના ડિરેકટર પ્રો.અનુપમ શુક્લા અને સુચિ સેમિકોનના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અશોક મહેતાએ MoU-સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને સંસ્થાઓના ફેકલ્ટી, વહીવટી સ્ટાફ, વિભાગો અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સીધો સંપર્ક અને સહયોગ વધારવા માટેની વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી છે.
MoU અંતર્ગત જ્ઞાન વિનિમય, સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ, પરિષદો અને સેમિનાર્સ, SVNIT ખાતે અર્ધચાલક ડિઝાઇન, પેકેજિંગ અને પરીક્ષણ માટેના એક સેન્ટર ઓફ એકસેલન્સની રચનાનું આયોજન છે.
સુચિ સેમિકોન ગુજરાતનો પ્રથમ સેમિકન્ડકટર OSAT પ્લાન્ટ હશે, જેનું લક્ષ્ય પ્રતિ દિવસ ૩ મિલિયન પીસના ઉત્પાદનનો છે. આગામી વર્ષોમાં સુચિ સેમિકોનમાં ૮૦૦થી વધુ રોજગારીની નવી તકો ઉભરશે. SVNIT સાથે સહકારમાં, સુચિ સેમિકોન એવા કોર્ષ તૈયાર કરશે જે વિદ્યાર્થીઓને સેમિકન્ડકટર ઉદ્યોગ વિશે વધુ શીખવામાં મદદ કરશે. SVNIT કેમ્પસમાં સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ કરાશે. તા.૨જી, જુલાઈ- ૨૦૨૬ સુધી MoU કરવામાં આવ્યા છે. અને કરાર હેઠળ કરવામાં આવેલા કાર્યોની સમીક્ષાના આધારે વધુ બે વર્ષ માટે નવીનીકરણ શક્ય છે.
