સુરતના બુધિયા પરિવારનું ત્રણ પેઢીનું એક સાથે મતદાનઃ દાદા-પુત્ર તથા બન્ને પૌત્રીઓ સાથે મતદાન કર્યું
બુધિયા પરિવારની બે બહેનોએ સાથે મળી પ્રથમવાર મતદાન કર્યું
સુરતઃમંગળવારઃ- સુરત શહેરના સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકમાં બુધિયા પરિવારની ત્રણ પેઢીના સભ્યોએ સાથે મળીને મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. ૭૪ વર્ષીય સાંવરપ્રસાદ બુધિયા તથા તેમના ૫૦ વર્ષીય પુત્ર વિશાલ તથા તેમની પૌત્રીઓ ખુશી અને ઝીલ બુધિયા સાથે મતદાન કર્યું છે.
પ્રથમવાર મતદાન કરનાર ૨૦ વર્ષીય ખુશીએ જણાવ્યું કે, જયારે કોઈ પ્રસંગની રાહ જોઈએ તેમ મતદાન માટે ઘણા દિવસોથી રાહ જોતી હતી. પ્રથમવાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી છે એમ જણાવી તમામ ચૂંટણીઓમાં સૌને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. નાની બહેન ૧૮ વર્ષીય ઝીલે પણ પ્રથમવાર મતદાન કરીને અત્યંત આનંદની અનુભુતિ કરતા કહ્યું કે, જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પણ મતદારોને આકર્ષવા માટે સખી મતદાન મથકો, આદર્શ તથા યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે મતદાન કરવાની પ્રેરણા મળે છે તેમજ ચૂંટણી પ્રક્રિયાના ચીલાચાલુ માહોલનો અનુભવ નથી થતો પણ લોકોનું ,મતદાન કેન્દ્ર સાથે અટેચમેન્ટ જળવાઈ રહે છે એમ જણાવી આ થીમ બેઝ મતદાન મથકો ઉભા કરવા બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.