લોકસભા ચૂંટણીમાં જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓમાં ઉત્સાહ જોવા મળ્યો
જો પાંચ વર્ષમાં એક વાર મતદાનની ફરજ પણ ન અદા કરી શકીએ તો શિક્ષિત હોવાનો શો અર્થ?: ૨૦ વર્ષીય પ્રીતિ પ્રકાશભાઈ કાપડિયા
સુરતઃમંગળવારઃ લોકસભાની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો હતો. સુરતના યોગી ચોક વિસ્તારનમાં રહેતા અને BBA નો અભ્યાસ કરતા ૨૦ વર્ષીય પ્રીતિ પ્રકાશભાઈ કાપડિયા પ્રથમવાર મતદાન કરવાં યોગી ચોક પાસે હરેકૃષ્ણ વિદ્યાલયના મતદાન મથક પર પહોંચી ત્યારે ખુબ જ ખુશ હતી, તેણે ખુશી વ્યક્ત કરતા કાગ્યું કે, ‘લોકશાહી દેશમાં મતદાન કરવું એ માત્ર આપણી ફરજ જ નથી, પરંતુ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. જો પાંચ વર્ષમાં એક વાર મતદાનની ફરજ પણ ન અદા કરી શકીએ તો શિક્ષિત હોવાનો શો અર્થ? પ્રથમ વાર મતદાન કરવાથી અનેરો આનંદ થયો છે. અને હવે હું હરહંમેશ મતદાન કરીશ. મતાધિકારનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ અવસર છે’
હવે યુવાનો પણ મતદાન પ્રત્યે જાગૃત્ત બન્યાં છે: ફર્સ્ટ ટાઈમ વોટર પિયુષ ચાવડા
કામરેજ ગામના ૨૪ વર્ષીય પિયુષ કિશોરભાઈ ચાવડાએ જીવનનું પ્રથમ વાર મતદાન કર્યું હતું. હીરા વ્યવસાય સાથે જોડાયેલા યુવા મતદાર પિયુષ ચાવડાએ જણાવ્યું કે, હું નાઈટ શિફ્ટમાં કામ પર જાઉં છું, અને દિવસે ઊંઘ પૂરી કરું છું, પણ આજે મતદાન કરવાનું હોવાથી સુવાના બદલે મત આપવા આવ્યો છું. મત આપ્યાની ફરજ નિભાવ્યા બાદ હવે સંતોષની નિંદ્રા આવશે. તેણે ઉમેર્યું કે, મોટી સંખ્યામાં મતદાન થાય એ જ દેશની જાગૃત્તિ કહી શકાય. હવે યુવાનો પણ મતદાન પ્રત્યે જાગૃત્ત બન્યાં છે. મેં મારી સોસાયટીમાં તેમજ સગાસંબંધીઓને એમ સૌને મતદાન કરવાંની અપીલ કરી હતી.