ઉધના હરિનગરના વડીલ દંપતિએ સજોડે મતદાન કર્યું
લોકશાહીના પર્વમાં વડીલ ખત્રી દંપતિએ સંજોડે મતદાન કરી અન્ય દંપતિઓને મતદાન કરવા પ્રેરણા આપી
સૌએ પવિત્ર ફરજ સમજી ફરજિયાત મતદાન કરવું જ જોઈએ: વડીલ દંપતિ
સુરત:મંગળવાર: લોકસભા સામાન્ય ચૂંટણીમાં યુવાથી માંડીને વયોવૃધ્ધ, અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી, ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં ઉધના સિટીઝન કોલેજના મતદાન કેન્દ્રમાં વડીલ ખત્રી દંપતિએ સજોડે મતદાન કર્યું હતું. ઉધના હરિનગરમાં રહેતા ૬૭ વર્ષિય કિશોરભાઇ ખત્રી અને ૬૦ વર્ષીય વિમલબેન ખત્રી ટેલરનું કામ કરે છે. આ દંપતિએ આજ સુધીની મહત્તમ તમામ વિધાનસભા-લોકસભા-પંચાયત ચૂંટણીઓમાં સજોડે મતદાન કર્યું છે.
કિશોરભાઇએ ઉત્સાહથી મતદાન કરી જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય આપણા મતદાનથી સુદ્રઢ થાય છે. મારી પત્નીનો હમેશા આગ્રહ રહ્યો છે કે, મતદાન તો અવશ્ય કરવું જ. મારા પરિવારના તમામ પુખ્ત સભ્યોને હમેશા મતદાન કરવા માટે પ્રેરૂ છું. આજે મેં મતદાન કરીને લોકશાહીની ફરજ અદા કરી એનું મને ગૌરવ છે.