લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪-સુરત
સુરત જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે સજ્જ જિલ્લા ચૂંટણીતંત્ર
૨૩-બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠક પર સુરત જિલ્લાના નવ વિધાનસભા ક્ષેત્રના ૨૯.૮૦ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
આજે તા.૭મીએ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ સુધી મતદાન થશે
હિટવેવ સામે રક્ષણ માટે મતદાન મથકો પર છાંયડો, ઠંડા પાણી, શેડ-શેલ્ટરની વ્યવસ્થા
લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડવા અને અચૂક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીની અપીલ
મતદાન મથકની અંદર તેમજ બુથની ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ
ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સનો પૂરતો પોલીસ બંદોબસ્ત: પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત
જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
૨૩- બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી માહોલમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. આ નવ વિધાનસભા ક્ષેત્રના ૨૯.૮૦ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે ૭મી મેના રોજ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે એમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું.
સુરત કલેક્ટરાલય ખાતે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, જિલ્લા પોલીસ વડાશ્રી હિતેશ જોઈસર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું કે, સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે બારડોલી સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા અને નવસારી સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, વિધાનસભા બેઠકોમાં તા.૭મી મેના રોજ ચૂંટણી યોજાશે. જેમાં લોકો વધુને વધુ મતદાન કરે, સામૂહિક અને સપરિવાર મતદાન કરે એવો સૌને અનુરોધ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફોટા વગરની મતદારયાદી દર્શાવતી મતદાર માહિતી કાપલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જો આ કાપલીઓ ન મળી હોય તો https://electoralsearch.eci.gov.in/ લિંક પરથી ઓનલાઈન મતદાન કેન્દ્ર સહિતની વિગતો મેળવી શકાશે.
ડો.પારધીએ ઉમેર્યું કે, મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયા વિના અવરોધ પૂર્ણ થઈ શકે એ માટે મતદાન મથકની અંદર તેમજ મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન સહિતના ડિજીટલ ઉપકરણો લઈ જવાની મનાઈ છે. મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તા.૦૭મીએ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં. ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારીઓ અને ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટણી પંચના અધિકારપત્રો ધરાવતા મીડિયાકર્મીઓને મોબાઈલ જવાની છૂટ અપાઈ છે.
આ ઉપરાંત, તંત્ર દ્વારા ૨૮૮૨ પૈકી ૧૪૫૩ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરાશે એમ જણાવી તેમણે સુરત શહેર-જિલ્લામાં ઔદ્યોગિક કારીગરો, શ્રમિકો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. જેથી વધુને વધુ મતદાન કરવા તમામ મતદારોને અનુરોધ કર્યો હતો.
લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડવા અને અચૂક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીની અપીલ કરતા તેમણે ઉમેર્યું કે, હિટવેવની સંભાવના તેમજ ગરમીને જોતાં તમામ મતદાન મથકો પર પીવાના ઠંડા પાણી, શેડ-શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકે ORS અને મેડિકલ કિટ, જરૂરી દવાઓ આપવામાં આવી છે. નજીકના આરોગ્ય કેન્દ્રનો ઈમરજન્સી નંબર ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ જરૂરી દવાઓ અને મેડિકલ સાધનો સાથે નિયત સ્થળો પર સ્ટેન્ડ બાય રહેશે.
મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે જરૂરી માહિતી/માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ છે તેમજ મતદાર યાદીમાં પોતાના નામની વિગતો જાણી શકે તે માટે VOTER HELPLINE એપનો ઉપયોગ કરી શકાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
કાયદો અને વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ પાસા સહિતની કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સનો પૂરતો પોલીસ બંદોબસ્ત કરાયો છે.
પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ કે.જે. રાઠોડ તથા આર.સી.પટેલ, નાયબ કલેકટર (ચૂંટણી) ડૉ. કૃતિકા વસાવા સહિત પ્રિન્ટ-ઈલેકટ્રોનિકસ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
મતદાન મથકોની વિગતો
બારડોલી સંસદીય મત વિસ્તારની પાંચ વિધાનસભા બેઠકોમાં ૧૫૮૫ તથા નવસારી હેઠળની ચાર બેઠકો પર ૧૨૯૭ મતદાન મથકો ઉભા કરાયા છે. આ ઉપરાંત વિધાનસભાદીઠ સાત-સાત મહિલા મતદાન મથકો તથા એક-એક મોડેલ મતદાનમથકો ઉભા કરાયા છે. મજુરા વિધાનસભામાં એક યુવા મતદાન મથક ઉભુ કરાયું છે.
૮૫થી વધુના ૪૪૨, દિવ્યાંગ ૩૪ અને આવશ્યક સેવાઓના ૬ મળી કુલ ૪૮૨ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
બારડોલી અને નવસારી લોકસભા બેઠકમાં કુલ મળીને ૪૮૨ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના, દિવ્યાંગ અને આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મીઓએ ઘરેબેઠા (હોમ વોટીંગ) પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું, જેમાં ૮૫થી વધુના ૪૪૨, દિવ્યાંગ ૩૪ અને આવશ્યક સેવાઓના ૬ મળી કુલ ૪૮૨ મતદારો હોમ વોટીંગ સહિત ઓવરઓલ પોસ્ટલ બેલેટથી ૮૭.૩૦ ટકા મતદાન થયું છે. ઉપરોક્ત મતદારોએ ફોર્મ ૧૨ ભરીને ચૂંટણી પંચની બેલેટથી મતદાન સુવિધાનો લાભ મેળવ્યો હતો, જેમાં જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ દ્વારા આવા મતદારોના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું.
સુરત શહેરના ૧૪.૩૯ લાખ મતદારો ૨૫-નવસારી સંસદીય બેઠક પર મતદાન કરશે
સુરત જિલ્લાની ૨૫-નવસારી સંસદીય બેઠક હેઠળની આવતી ચાર વિધાનસભા બેઠકોમાં ૧૬૩-લિંબાયતમાં ૧૭૦૫૮૧ પુરૂષ તથા ૧૩૬૭૨૨ સ્ત્રી તથા ૧૯ થર્ડ જેન્ડર મળી કુલ કુલ ૩,૦૭,૩૨૨ મતદારો નોંધાયેલા છે. જયારે ૧૬૪-ઉધનામાં ૧,૫૨,૯૨૩ પુરૂષો તથા ૧,૧૩,૪૧૮ સ્ત્રી અને ૨૦ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૬૬,૩૬૧ મતદારો છે. ૧૬૫-મજુરા બેઠક પર ૧૫૨૫૬૩ પુરષો તથા ૧૨૮૫૧૦ સ્ત્રી તથા ૧૧ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૮૧,૦૮૪ મતદારો છે. ચોર્યાસી બેઠક પર ૩,૨૮,૭૮૮ પુરષો તથા ૨,૫૬,૦૫૦ સ્ત્રીઓ તેમજ ૩૨ થર્ડ જેન્ડર મળી કુલ ૫૮૪૮૭૦ મતદારો નોંધાયેલા છે. આમ કુલ ૧૪,૩૯૬૩૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
સુરત જિલ્લાના ૧૫.૪૦ લાખ મતદારો ૨૩-બારડોલી સંસદીય બેઠક પર મતદાન કરશે
૨૩-બારડોલી સંસદીય બેઠક હેઠળ આવતી સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં માંગરોળ ૧૧૫૮૧૧ પુરૂષો તથા ૧૧૨૬૯૨ સ્ત્રી તથા ૩ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૨૮,૫૦૬ મતદારો નોંધાયેલા છે. માંડવીમાં ૧,૨૦,૧૫૨ પુરૂષો તથા ૧,૨૫,૮૯૦ સ્ત્રી મળી કુલ ૨,૪૬,૦૪૨ મતદારો છે. કામરેજ બેઠક પર ૩,૦૦૩૨૯ પુરષો તથા ૨૫૩૩૭૯ સ્ત્રી તથા ૩ થર્ડ જેન્ડર મળી કુલ ૫,૫૩,૭૧૧ મતદારો છે. બારડોલી બેઠકમાં ૧,૪૬,૩૨૭ પુરૂષો તથા ૧,૩૫,૯૯૪ સ્ત્રીઓ તેમજ ૮ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૮૨,૩૨૯ મતદારો નોંધાયેલા છે. મહુવામાં ૧,૧૧,૮૯૪ પુરૂષો તથા ૧,૧૮,૨૨૭ સ્ત્રીઓ મળી કુલ ૨,૩૦,૧૨૧ મતદારો નોંધાયેલા છે. આમ પાંચ વિધાનસભા બેઠકો પર ૭,૯૪,૫૧૩ પુરૂષો તથા ૭૪૬૧૮૨ સ્ત્રીઓ તેમજ ૧૪ જેન્ડર મળી કુલ ૧૫,૪૦,૭૦૯ મતદારો નોધાયેલા છે.
સુરત જિલ્લાની બારડોલી સંસદીય બેઠક હેઠળના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ૮૬૬૦ દિવ્યાંગ મતદારો, ૮૫+ ઉપરના ૯૨૮૭ વયોવૃધ્ધ મતદારો, ૧૮-૧૯ વર્ષના ૩૬૬૯૪ યુવા મતદારો તેમજ ૨૯ વર્ષ સુધીના ૩૧૮૭૦૩ મતદારો નોંધાયેલા છે.
સેકટર રૂટ અને બસ રૂટ
સમગ્ર ચુંટણી ફરજ પરના કર્મયોગીઓને મતદાન મથક સુધી જવા આવવા માટે નવ વિધાનસભમાં ૩૩૮ સેકટર ઓફિસરો અને ૪૨૩ બસ તથા ૧૭ ઈક્કો અને એક ટેમ્પો ટ્રાવેલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
.
ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે
સુરત:સોમવાર: લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નાગરિકો ચૂંટણી કાર્ડ સિવાય પણ માન્ય થયેલા ઓળખના ૧૨ વૈકલ્પિક પુરાવા પૈકી કોઈપણ પુરાવાના આધારે મતદાન કરી શકે છે.
અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. જેમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઈ દ્વારા ઈસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઈન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઈસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.