લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪: ભરૂચ
ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયા બેટમાં ૧3૯ પરિવારોના ૨૫૪ મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે
અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા
ભારતીય ચૂંટણી પંચનો ‘એવરી વોટ કાઉન્ટસ’નો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા સાર્થક થશે
શિપીંગ કન્ટેનરના હંગામી મતદાન મથકમાં આલિયાબેટના ૧૩૬ પુરૂષ અને ૧૧૮ મહિલા મતદારો ઘરઆંગણે તા.૭મી મે એ મતદાન કરશે: મતદારોમાં સામૂહિક મતદાન માટે અનેરો ઉત્સાહ
આલિયાબેટમાં ૫૦૦ નાગરિકોની વસ્તી: ૩૫૦ વર્ષ પહેલા કચ્છથી પશુધન સાથે આવીને આલિયા બેટમાં વસ્યા હતા ફકીરાણી જત જાતિના લોકો
લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગવું મહત્વ રહેલું છે. એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના ૧૩૬ પુરૂષ અને ૧૧૮ સ્ત્રી મતદારો મળી કુલ ૨૫૪ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એક વાર વિશેષ વ્યવસ્થા કરાશે. જેના કારણે મતદારો ઘરઆંગણે જ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો ‘એવરી વોટ કાઉન્ટસ’- (પ્રત્યેક મતનું આગવું મહત્વ)’નો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા આ પ્રકારના મતદાતાલક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે.
વર્ષ ૧૯૫૧-૫૨માં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ૭૦ વર્ષ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો નાવડીમાં સવાર થઈને આલિયાબેટથી જમીન માર્ગે ૮૨ કિલોમીટર અને જળમાર્ગે ૧૫ કિમી દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતાં હતાં. ઘણી વાર નદીનું જળસ્તર ઘટી જાય તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને એસ.ટી.બસમાં લઈ જવામાં આવતા હતા.
રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટની લંબાઈ ૧૭.૭૦ કિમી અને પહોળાઈ ૪.૮૨ કિમી છે. ૨૨,૦૦૦ હેકટર ક્ષેત્રફળ ધરાવતો આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે, પણ કલાદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલ હોવાથી તે ૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ૬૮-કલાદરા-૦૨ માં આવે છે. ૨૦૨૧ની તાલુકા પંચાયત ચૂંટણીમાં પહેલી વખત મતદાન કેન્દ્ર ફાળવાતા ૨૩૦ માંથી ૨૦૪ મતદારોએ મતદાન કર્યું હતું.
ગત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં બેટવાસીઓ ઘરઆંગણે જ સરળતાથી મતદાન કરી શકે એ માટે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રએ સૌપ્રથમ વાર આલિયા બેટમાં જ વિશેષ બનાવટવાળા શિપિંગ કન્ટેનરમાં મતદાન બુથ ઉભું કર્યું હતું. જેની નોંધ ભારતીય ચૂંટણી પંચે લીધી હતી અને આ લોકાભિમુખ પ્રયાસની સરાહના કરી હતી. ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયાબેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડીંગ ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં આગામી તા.૭ મી મે ના રોજ મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે.
ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કુલમાં તબદીલ કરી દેવામાં આવે છે, જેમાં હાલ બેટના ૫૦ જેટલા બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વિજળીથી કન્ટેનરના ટ્યુબલાઈટ અને પંખા ચાલે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આલિયા બેટ ભરૂચ જિલ્લાનો અંતરિયાળ ટાપુ છે, જેમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીલક્ષી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, અને હજુ પણ જરૂરિયાત મુજબ વિસ્તારિત સુવિધાઓ પૂરી પાડવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. ચૂંટણી પંચના ધ્યેયસૂત્ર ‘No Voter to be left behind’ માંથી પ્રેરણા મેળવીને વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીથી આલિયા બેટમાં જ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કર્યું છે, જેના કારણે મતદારોને દૂર સુધી મત આપવામાં પડતી મુશ્કેલી-અસુવિધાઓ દૂર થઈ છે.
બેટમાં રહેતા અને જત સમુદાયના અગ્રણી શ્રી મહંમદભાઈ હસન જત જણાવે છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર શિપિંગ કન્ટેનરમાં બુથ ઉભું કરી અમારા ઘરઆંગણે મતદાન માટે આગવી સુવિધા ઉભી કરે છે, જે અભિનંદનીય છે. આ સુવિધા ન હતી ત્યારે મતદાન માટે બોટમાં કલાદરા ગામે જતા એ સમયે સવારે ૧૦.૦૦ વાગ્યા પછી ભરતીના પાણી ઉતરી જતાં બોટ ચાલી શકે તેવી સ્થિતિ રહેતી ન હતી. મત આપીને પાછું આવવું હોય તો સાંજે ૫.૦૦ વાગ્યે ફરી ભરતી આવે તેની રાહ જોવી પડે અથવા ૮૨ કિમી જેટલો ચકરાવો લેવો પડે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા આલિયાબેટના મતદારો માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આલિયાબેટથી હાંસોટ થઈ ભરૂચ અને વાગરા ખાતે મતદારોને લઈ જવામાં આવ્યા હતા.
મતદાર હનીફાબેન અલીભાઈ જત જણાવે છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં અમે સૌએ સાથે મતદાન કર્યું હતું. અમે મહિલાઓ અલ્પશિક્ષિત છીએ. બેટમાં રહેતી મહત્તમ મહિલાઓ અશિક્ષિત છે, છતાં પણ અમે અચૂક મતદાન કરી અમારી દેશ પ્રત્યેની ફરજ નિભાવીએ છીએ. રાજ્ય અને દેશના તમામ મતદારો અને ખાસ કરીને શિક્ષિત મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઈએ.
કચ્છથી ૩૫૦ વર્ષ પહેલાં ફકીરાણી જત જાતિના લોકો પશુધન સાથે આલિયાબેટ આવી વસ્યા હતા: પશુપાલન એકમાત્ર વ્યવસાય
બેટમાં વસતા અને કચ્છી ભાતીગળ સંસ્કૃતિ, પહેરવેશ અને ખાનપાનને આજે પણ વળગી રહેલા ૫૦૦ જેટલા ફકીરાણી જત જાતિના લોકો કચ્છથી ૩૫૦ વર્ષ પહેલાં રોજીરોટીની શોધમાં પશુધન સાથે વાગરા તાલુકાના આલિયા બેટ પર આવીને વસ્યા હતા. આલિયાબેટના ૧૩૯ પરિવારોના ૫૦૦ સ્ત્રી-પુરૂષો, બાળકો પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓની પાસે ૧૨૦૦ થી વધુ ભેંસો અને ૬૦૦ ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ તેમની મુખ્ય આજીવિકા છે. હાંસોટ તાલુકામાં દૂધ વેચાણ સહિત શહેરા ડેરીમાં દૂધ જમા કરાવે છે. અગાઉ કાવડમાં દૂધ ભરીને પરિવહન કરતા, ત્યારબાદ સાયકલ, બાઈક અને ટેમ્પો ટ્રાવેલર દ્વારા દૂધને વેચાણ માટે લઈ જવામાં આવે છે.
ચોમાસામાં ૩ થી ૪ મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો
સ્થાનિકો ૯ મહિના ખૂબ જ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે, જ્યારે ચોમાસામાં ૩ થી ૪ મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે. એક તરફ નર્મદા નદી અને બીજી તરફ અરબી સમુદ્ર તેમજ ખંભાતનો અખાત એટલે અહીંની જમીન બિનઉપજાઉ છે. ઉબડખાબડ માર્ગે બેટમાં પહોંચી શકાય છે. વર્ષોથી બેટમાં રહેતો મુસ્લિમ જત સમુદાય હજુ પણ પોતાની આગવી સંસ્કૃતિ સાચવીને ટકી રહ્યો છે.