બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે વહેલી સવારે મતદાન જાગૃતિ માટે ૨.૫ કિ.મી.ની ‘રન ફોર વોટ’ મેરેથોન યોજાઈ
બારડોલીમાં મતદાનના નારા સાથે વિદ્યાર્થીઓ સાથે નગરજનની દોડ:
‘રન ફોર વોટ’માં નગરજનોએ ‘હું મતદાન અચૂક કરીશ’ ના નારાઓ, સૂત્રોચ્ચાર સાથે મતદારો જોડાયા
વિવિધ પોસ્ટરો, બેનરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપતા વિદ્યાર્થીઓ, નગરજનો
સુરતઃરવિવાર: તા.૭ મીએ લોકસભાની સામાન્ય ચુંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે તેવા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતદાતા જાગૃતિ માટે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આજે વહેલી સવારે ૨.૫ કિલોમીટરની ‘રન ફોર વોટ’ મેરેથોન યોજાઈ હતી, જેને પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી જિજ્ઞા પરમારે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મેરેથોન દોડ બારડોલીના સ્વરાજ આશ્રમથી શરૂ કરી મુદીત પેલેસ માર્ગે સ્વામી નારાયણ મંદિર અને ત્યાંથી શાસ્ત્રી રોડ ઉપર આવેલ પર પોઇન્ટ થઇ પટેલ મેડિકલ સુધી જઈ પુનઃ સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ થઈ હતી.
પ્રાંત અધિકારીશ્રીએ બારડોલીના નગરજનોને તા.૭મીએ ૧૦ મિનિટ દેશ માટે આપવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના પર્વમાં જોડાય તે આ મેરેથોનનો ઉદ્દેશ છે. મતદાનને લોકશાહીની પવિત્ર ફરજ સમજીને મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા તેમજ જેમની ઉંમર અઢાર વર્ષથી ઉપર થઈ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ જાતે મતદાન કરે, સાથોસાથ પરિવારજનો, સગા-સબંધીઓને પણ અચૂક મતદાન માટે પ્રેરિત કરી એમ જણાવ્યું હતું.
ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ દોડમાં જોડાઈ ‘૧૦ મિનીટ દેશ માટે’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, ‘મતદાન આપણો અધિકાર’, ‘અવસર લોકશાહીનો’, ‘પહેલા મતદાન પછી અન્ય કામ’ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો. પહેલીવાર મતાધિકાર મળ્યો છે તેવા યુવાઓમાં લોકશાહી પ્રક્રિયામાં જોડાવાની મળેલી તકનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળતો હતો. મેરેથોનમાં ઉપસ્થિત સૌએ પરિવાર સાથે અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે બારડોલી મામલતદારશ્રી ડી. એ. ગીનીયા, ચીફ ઓફિસર મિલન પલસાણા, જિલ્લા રમત વિકાસ અધિકારી કનુભાઈ રાઠોડ, રમત ગમત અધિકારી વિરલભાઈ પટેલ, પીઆઈ વી.એ.દેસાઈ, પી.એસ.આઈ એમ.જી.રાઠોડ, ડી.કે.ચૌધરી, બારડોલી કોલેજના પ્રોફેસર ચિરાગ દેસાઈ, ચૈતન્ય દેસાઈ, પોલીસ જવાનો, શાળાના બાળકો શિક્ષકો, રમતવીરો, બારડોલી શાળા-કોલેજના વિધાર્થીઓએ ઉપસ્થિત રહીને લોકોને મતદાન માટે જાગૃત્ત થવાનો સંદેશો આપ્યો હતો.
