૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર વિભાગના રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટરના મુખ્ય માર્ગ પર તા.૬ અને ૭મીના રોજ તમામ પ્રકારના વાહનોની અવર-જવર તેમજ પાર્કિંગ પર પ્રતિબંધ
વૈકલ્પિક રૂટ તરીકે રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટરથી મીઠીખાડી બ્રિજથી ડુંભાલ ફાયર સ્ટેશન તરફના બીજા રસ્તાનો ઉપયોગ કરી અવર-જવર કરી શકાશે
શહેર પોલીસ કમિશનરનું જાહેરનામુ
સુરત:રવિવાર: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે
જાહેરનામા અનુસાર ૨૫ – નવસારી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર વિભાગ માટે રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટર એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ડુંભાલ ખાતે રાખવામાં આવ્યું છે. જેથી તા.૦૬/૦૫/૨૦૨૪ના રોજ ડિસ્પેચિંગના દિવસે ૦૫:૦૦ વાગ્યાથી મતદાન સ્ટાફ તથા મતદાન મથક ઉપર જવા માટે રૂટના વાહનો પણ વધુ સંખ્યામાં આવશે. તદ્દઉપરાંત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન પૂર્ણ થતાં સાંજના ૦૬:૦૦ વાગ્યાથી મતદાન સ્ટાફ તથા રૂટના વાહનો રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટર એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ડુંભાલ ખાતે વધુ સંખ્યામાં અવર-જવર હોય જેથી ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તથા ચૂંટણીની કામગીરીમાં અડચણ ન આવે તે માટે રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટર લીલીયાવાલા વિદ્યાભવનના ગેટની બહારનો મુખ્ય રસ્તો મીઠીખાડી બ્રીજથી ડુંભાલ ફાયર સ્ટેશન તરફનો એક તરફી રસ્તો તા.૦૬/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૦૫:૦૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી તથા તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારનાં વાહનોની અવર-જવર ઉપર તેમજ પાર્કિંગ કરવા પર પ્રતિબંધ રહેશે.
વૈકલ્પિક રૂટ તરીકે લીલીયાવાલા વિદ્યાભવનના ગેટની બહારનો મુખ્ય રસ્તો મીઠીખાડી બ્રીજથી ડુંભાલ ફાયર સ્ટેશન તરફના બીજા રસ્તાનો ઉપયોગ કરી અવર-જવર કરી શકાશે. તેમજ ઉપરોક્ત પ્રતિબંધમાંથી પોલીસ વિભાગ, ફાયરના વાહનો, એમ્બ્યુલન્સ, SMC, સરકારી વાહનો તેમજ VVIPઓના વાહનોને અવર-જવર કરવા માટે પ્રતિબંધમાંથી મુક્તિ રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
