લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારોએ મતદાન મથકથી ૨૦૦ મીટરની હદ વિસ્તારમાં પ્રતિબંધો જાહેર કર્યા.
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસ માટેનાં કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે.
જાહેરનામા અનુસાર કોઈ વ્યકિતએ કોઈપણ મતદાન મથકથી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઉભા કરવા કે તેવો પ્રયત્ન કરવા પર, મતદાન મથકે એક થી વધુ મતદાન મથકો હોય તેમ છતાં દરેક ઉમેદવાર દીઠ ૨૦૦ મીટરની હદ બહાર ફકત ૧ (એક) કેમ્પ જેમાં ૧(એક) ટેબલ અને બે ખુરશી અને છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલું) બનાવવાનું પરંતુ બુથને ચારે બાજુ કંતાન વડે બંધ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે ઉમેદવારને આવા કેમ્પ ઉભા કરવાની ઈચ્છા હશે તેઓએ સંબંધીત મદદનીશ ચુંટણી અધિકારીને તે કયા કયા મતદાન મથકોએ આવા કેમ્પ ઉભા કરવા માગે છે તેની યાદી આપી સ્થાનિક સત્તા મંડળ (ગ્રામ પંચાયત/નગર પંચાયત/નગરપાલિકા/મહાનગરપાલીકા)ની લેખિત પરવાનગી મેળવવાની રહેશે. આવા કેમ્પનો ઉપયોગ મતદારોને ઉમેદવારના નામ કે પ્રતિક કે પક્ષના નામ વગરની સફેદ કાગળ ઉપર ચુંટણી પંચે આપેલ સૂચના મુજબની કાપલી આપવા કરી શકાશે. પરંતુ ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઈએ. તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતીકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરવા પર, કેમ્પ ખાતે ખાદ્ય સામગ્રી આપવા કે ટોળા ભેગાં કરવા પર, મતદાન કરી આવેલ મતદારને ઉભા રહેવા દેવ પર, મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય થવા દેવા પર, ૧૦૦ મીટરની હ્રદમાં સેલ્યુલર ફોન્સ, કોર્ડલેસ ફોન્સ, વાયરલેસ સેટસ લઈ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ મતદાન મથક ઉપર ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારી સિક્યુરિટીના માણસો, ચુંટણી પંચ ધ્વારા નિયુકત ઓબઝર્વરશ્રીઓ તથા મતદાન કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારીઓને તેમની ફરજ દરમિયાન લાગુ પડશે નહીં. આ હુકમ તા.૮/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.