લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪
બારડોલી પાર્લામેન્ટમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ વિધાનસભામાં સાત મહિલા સંચાલિત ‘સખી’ મતદાન મથકો ઉભા કરાશે
‘સખી મતદાન મથક’માં મતદાન સ્ટાફ તરીકે મહિલા કર્મચારીઓ જ ફરજ બજાવશે
આગામી તા.૭મી મેના રોજ લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદારો વધુમાં વધુ સહભાગી બને અને લોકશાહીનું મહાપર્વ ઉજવે તે હેતુથી ચૂંટણી પંચ વિવિધ થીમ બેઈઝ મતદાન મથકોને પ્રાધાન્ય આપી રહ્યું છે. જેના ભાગરૂપે બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં સાત જેટલા મહિલા સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.
આ સાત મતદાન મથકો ‘નારી શક્તિ’ના પ્રતીક બનશે. આ મહિલા સંચાલિત મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિ. ઓફિસર, પોલીંગ ઓફિસર તથા સુરક્ષા માટે પણ મહિલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.
મહિલા સંચાલિત મતદાન મથકોનો વિગતો જોઈએ તો, માંગરોળ વિધાનસભા વિસ્તારના માંગરોળ ગામની પ્રાથમિક શાળા, મોસાલી ગામની પ્રાથમિક શાળા, ગડકાછ ગામની પ્રા.શાળા, આંબાવાડી ગામે બુથ નંબર ૧૫૩ અને આંબાવાડી-૨ ખાતે બુથ નંબર ૧૫૪ પ્રા.શાળા, ઝીનોરા ગામની પ્રા.શાળા અને વાંકલ- ૧ ખાતે વાંકલ પ્રા.શાળા ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક ઉભા કરાશે. જેથી મહિલા મતદારોને વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
