લોકસભા ચૂંટણી-૨૦૨૪
સુરત જિલ્લાના કુલ ૨૮ આરોગ્ય સબ સેન્ટરો ખાતે “સામૂહિક મહેંદી કાર્યક્રમ” દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો અપાયો
તા.૭ મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત સુરત જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ અને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંયુક્ત રીતે મમતા દિવસે જિલ્લા આરોગ્ય અધિકારીઓ ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના કુલ ૨૮ આરોગ્ય સબ સેન્ટરો ખાતે “સામૂહિક મહેંદી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને મહેંદી વડે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો લખાવી વધુમાં વધુ મતદારોને મતદાન કરવાનો અનેરો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, લોકશાહીમાં મતદાનની અગત્યતા સમજાવવી, સોશ્યલ મીડિયા ઇન્ફલ્યુએન્સરના માધ્યમથી મતદાનનો પ્રચાર-પ્રસાર, સહપરિવાર મતદાન, વિવિધ વોટર એપ્લીકેશન અંગેની જાણકારી, મતદાન શપથ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.