અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા-રામોત્સવના પાવન અવસરે સુરત સિવિલ હોસ્પિટલમાં ‘રર:રર’નો અનોખો સંયોગ
તા.૨૧ રાત્રિના ૧૨ વાગ્યાથી બપોરના ૧૨:૩૯ના વિજય મુહૂર્ત સુધીમાં સિવિલ હોસ્પિટલ ખાતે ૧૩ બાળકો અને ૦૯ બાળકીઓ મળી કુલ ૨૨ બાળકોનો જન્મ
નર્સિંગ એસો. દ્વારા સ્ત્રી રોગ-બાળ રોગ વિભાગની બહેનોને સાડી-મિઠાઈ વિતરણ કરાર્યું
સમગ્ર જીવનકાળ દરમિયાન રચાતા વિવિધ સંયોગો માનવીને જીવનભરનું સંભારણું આપે છે. એવો જ એક સુ:ખદ સંયોગ સુરતની નવી સિવિલ સિવિલ હોસ્પિટલને આંગણે બન્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા- પ્રાણોત્સવ પ્રસંગે ભવ્યતા, દિવ્યતા અને સૌમ્યતાના સંગમ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તા.૨૧ રાત્રિના ૧૨:૦૦ વાગ્યાથી તા.૨૨એ બપોરના ૧૨:૩૯ના વિજય મુહૂર્ત સુધીના સમયમાં ૨૨ પ્રસૂતાઓએ કુલ ૨૨ બાળકોને જન્મ આપતા ૨૨:૨૨નો અનોખો સંયોગ રચાયો હતો. જેમાં ૧૩ બાળકો અને ૦૯ બાળકીઓ જન્મ્યા હતા. તા.૨૨ જાન્યુઆરીના ૨૪ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં કુલ ૩૮ પ્રસૂતાઓએ ૩૮ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં ૧૮ બાળકીઓ અને ૨૦ બાળકો જન્મ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે સમગ્ર ભારત રામમય બન્યું હતું. ત્યારે નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, કિરણભાઈ દોમડિયા, અશ્વિનભાઈ પંડયાની ઉપસ્થિતિમાં પારસભાઈ શાહ (રોઝી ગ્રુપ)ના સહયોગથી નર્સિંગ એસોસિયેશન દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગ, બાળ રોગ વિભાગની માતાઓ તેમજ સિક્યોરિટી મહિલા ગાર્ડને સાડી– મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું
