મહુવાના તરકાણી ખાતે આદિવાસી સમાજ આયોજીત ઘેર હરિફાઈમાં વાંસદાના સિણધઈની ઘેર પ્રથમ વિજેતા બની
ગુજરાતની આગવી ઓળખ એટલે ‘ગરબો’. ગરબાના તોલે લોકપ્રિયતા ધરાવતું દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું નૃત્ય એટલે ‘ઘેર નૃત્ય’. દિવાળીનો સમય એટલે દૈવીશક્તિની આરાધનાનું પર્વ., આદિવાસી સમાજ માટે ‘ઘેર’ બાંધી માવલીને રીઝવવાનો શ્રેષ્ઠ અવસર! દિવાળી ટાણે લોકો કાપણીના કાર્યમાંથી પરવારતા હોય અને પોતાને કૃષિપાકમાં મબલખ પાક ઉતરવાનો આનંદ આ સમયગાળા દરમિયાન આદિવાસી કૃષકોમાં બેવડાતો હોય છે. કૃષિકાર્ય પરવારીને નવરાશની પળને મનભરીને માણી લેવા આદિવાસી સમુદાય દૈવીશક્તિ સાથોસાથ પોતાના વિવિઘ દેવી દેવતાઓને ‘ઘેર નૃત્ય’ના તાલે ભજી લેવા આતુર બન્યા હોય છે ત્યારે આ કલાના ઉપાસક સમુદાયના લોકો થનગની ઉઠતા હોય છે. એનો ધબકાર પરંપરાગત ‘ઘેર નૃત્ય’માં ઝળકી ઉઠે છે. ઘેરિયાઓનો થનગનાટ નિહાળનારની નજર અને અંતર બંનેને એક અલગ પ્રકારનો અહેસાસ આપી જાય છે.
ઘેર નૃત્ય એ માત્ર શક્તિની આરાધનાજ નહિ પણ વિવિધ પ્રકારની માન્યતાઓ પણ આ સાથે જોવા મળે છે. જેમ કે બાળકને ઝુલાવતું પારણું, મૃતાત્માઓની આ ઘેરિયા મંડળી દ્વારા ‘તાર’ મરાવીને યાદ કરવી, ઘરના લાડલા વ્યક્તિને ઘોડીએ ચડાવી એના શેષ જીવનને આનંદમય બનાવવાની માન્યતા તેમજ ઘરમાંથી કકળાટ કઢાવવા જેવી માન્યતાઓ રહેલ છે. ઘેરિયા મંડળીનો મુખ્ય ગાયક એટલે ‘કવ્યો’, અને સાથે હોય ‘ભગત’. આ ભગત અને કવ્યા દ્વારા સમગ્ર નૃત્ય મંડળીનું સંચાલન થતું હોય છે. ઘેરિયાઓનો પોશાક ન તો નરનો કે ન તો નારીનો એ પ્રકારનો હોય છે. માથે સાફો અને કમરે ઘૂઘરા ઝુલતા હોય છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ ધોડીઆ, હળપતિ, કોળઘા, નાયકા તેમજ ચૌધરી વગેરે જ્ઞાતિના લોકોમાં આ ‘ઘેર નૃત્ય’ ખાસ્સું પ્રચલિત છે.
સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાતના નેજા હેઠળ મહુવા તાલુકાના તરકાણી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક ઘેર હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેવલના સહકારી આગેવાન નરોત્તમભાઈ પટેલ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યા બાદ લેખક-કવિ સંશોધક કુલીન પટેલ દ્વારા ઘેર નૃત્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસીયાએ પરંપરા સાચવતા ઘેર મંડળના સૌ કલાકારોને અભિનંદન પાઠવી આપણી ભવ્ય સંસ્કૃતિને પેઢી દર પેઢી જાળવી રાખવા આહવાન કર્યું હતું. આદિવાસી સમાજના યુવાનો કે જેમણે વેપાર ધંધામાં વિશેષ સફળતા હાંસલ કરી છે તેઓના ખાસ સન્માન સાથોસાથ જરુરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ આ તકે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત તરફથી એનાયત કરવામાં આવી હતી. સદર હરિફાઈમાં છ જેટલી ઘેર મંડળીનો સમાવેશ કરાયો હતો. આ હરિફાઈ દરમિયાન પ્રથમ ક્રમે વાંસદા તાલુકાના સિણધઈ રાજમલાની ‘ધોડીઆ આદિવાસી ઘેર મંડળ’ પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે દ્વિતીય ક્રમે નવસર્જન યુવક મંડળ, તરકાણી ખાખરી ફળિયા અને તૃતીય ક્રમે ઘેરિયા વિજય મંડળ, વાંઝણા ની ટુકડી વિજેતા નિવડી હતી. નિર્ણાયક તરીકે ડૉ. એ.જી.પટેલ (આહવા), ડૉ. હિતેન્દ્ર પટેલ (દેદવાસણ), નરોત્તમભાઈ પટેલ (ચરવી) તથા સુભાષ પટેલ (કોસ) વગેરે વિદ્વાનો દ્વારા સેવા બજાવાઈ હતી. પ્રથમ વિજેતા ઘેરને રુપિયા એકવીસ હજાર, દ્વિતીય વિજેતા ઘેરને અગિયાર હજાર રૂપિયા તેમજ તૃતીય વિજેતા ઘેરને સાત હજાર રૂપિયા તથા ભાગ લેનાર તમામને ત્રણ હજાર રૂપિયાની પુરસ્કાર રાશિ એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત મહુવા-વાલોડના ધારાસભ્ય મોહનભાઈ ધોડીઆ સહિત અન્ય કલારસિકો તરફથી આવેલ રકમ પ્રોત્સાહન સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર:-કુલીન.પટેલ