અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામા દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હથિયારબંધી ફરમાવીઃ
સૂરત જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખતા શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તેવા હેતુ સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ જાહેરનામા દ્વારા તા.૧૫/૦૪/૨૦૨૫ સુધી હથિયારબંધી ફરમાવી છે. જે અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, સોટા, ખંજર, છરી-ચપ્પા, ભાલા, લાકડા કે લાકડી, તલવાર, શારીરિક ઇજા પહોંચાડે તેવા સાધનો સાથે લઇ જવા નહી. આ ઉપરાંત કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ, શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર અને છરી-ચપ્પા, રેમ્બો ચાકુના વેચાણ કે લાવવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી. જેનાથી સુરુચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં. તેવા હાવભાવ કરવા નહીં તેવી ચેષ્ઠા કરવી નહીં તથા ચિત્રો પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહીં અને બતાવવી નહીં. કોઇ સળગતી મશાલ લઈ જવી નહીં. લોકોને અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બુમો પાડવી નહીં અને ગીતો ગાવા નહીં સાથે વાદ્ય વગાડવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
સરકારી ફરજ પરના અધિકારી કે કર્મચારીને હુકમ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
